Surat: માનસિક તણાવમાં બે મિત્રો ઝેરી દવા પીધા પછી એકબીજાનો હાથ પકડી બ્રિજ પરથી તાપીમાં કૂદી પડ્યા, એકનું મોત

બન્ને મિત્રો તાપી નદીમાં કૂદ્યા, પરંતુ પાણીની જગ્યાએ જમીનના ભાગ પર ધડામ કરતા પટકાયા હતા. જેમાં બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Aug 2025 05:16 PM (IST)Updated: Sun, 03 Aug 2025 05:16 PM (IST)
surat-news-2-friend-attamp-suicide-by-jump-in-to-tapi-river
HIGHLIGHTS
  • ફ્રેન્ડશિપ ડેના દિવસે જ એક મિત્રએ આંખો મીંચી દીધી
  • એકના એક દીકરાના આપઘાતથી પરિવારમાં શોક

Surat: એકતરફ આજે પહેલી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વ ફ્રેન્ડશિપ ડે મનાવી રહ્યું છે, ત્યારે સુરતમાં મિત્રતાને સમર્પિત આજના દિવસે જ બે મિત્રોનો જોડી તૂટી ગઈ હોવાનો બનાવ બન્યો છે. જેમાં બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી તાપી નદીમાં કૂદી પડ્યા હતા. જે પૈકી એક મિત્રએ આજે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે, જ્યારે એક મિત્ર હાલ સારવાર હેઠળ છે.

કામધંધો વ્યવસ્થિત ના ચાલતા બન્ને મિત્રો તણાવમાં હતા
મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો વતની કૌસ્તુભ બાવને (24) શહેરના ડિંડોલી વિસ્તારની રુદ્ર રેસિડન્સીમાં રહીને ડિલિવરી બૉય તરીકે કામ કરતો હતો. કૌસ્તુભનો ખાસ મિત્ર સમીર મહંતો (18) પણ ડિંડોલીની શિવહીરાનગરમાં રહેતો હતો, જેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં નાપાસ થયો હતો.

છેલ્લા કેટલાક સમયથી કૌસ્તુભનો કામધંધો વ્યવસ્થિત ચાલતો ના હોવાથી તે માનસિક તણાવમાં રહેતો હતો. આવી જ હાલત સમીરની પણ હતી, કારણ કે તે પણ ફરીથી દસમાની પરીક્ષા આપવાનો હતો.

કૌસ્તુભ અને સમીર ગાઢ મિત્રો હોવાથી એકબીજાની તકલીકથી સારી રીતે વાકેફ હતા. આથી જ હતાશ થઈને બન્ને જણાએ પહેલી ઓગસ્ટના રોજ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે તેઓ શુક્રવારે સાંજે રાંદેર સ્થિત ચંદ્રશેખર આઝાદ બ્રિજપર પહોંચી ગયા હતા. જ્યાં પહેલા બન્નેએ બ્રિજ પર ઝેરી દવા પી લીધી હતી અને પછી એકબીજાનો હાથ પકડીને તાપી નદીમાં કૂદી પડ્યા હતા. જો કે બન્ને જણાં પાણીની જગ્યાએ જમીન પર પટકાતા ગંભીર ઘાયલ થયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે બન્નેને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે કૌસ્તુભે આંખો મીચી દીધી હતી. જ્યારે સમીર હજુ પણ સારવાર હેઠળ છે.