Bharuch: અંકલેશ્વર નેશનલ હાઈવે-48 પર સતત ટ્રાફિકજામ, વાહનોની 7 કિલોમીટર લાંબી કતાર લાગી

વાહન ચાલકોની ફરિયાદ- ખાધા-પીધા વિના 3 થી 4 કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. પેટ્રોલનો પણ બગાડ થાય છે. ટોલટેક્સ વસૂલતી સરકાર હાઈવેની મરામત કરવામાં નિષ્ફળ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 03 Aug 2025 04:49 PM (IST)Updated: Sun, 03 Aug 2025 04:49 PM (IST)
bharuch-news-7km-long-traffic-jam-on-ankleshwar-national-highway-48
HIGHLIGHTS
  • ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓ બીસ્માર પડતાં વાહનો અટવાયા
  • ભારે વાહનોની અવરજવર થતી હોવાના કારણે પણ સમસ્યા વિકટ બની

Bharuch: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર છેલ્લા પાંચ દિવસથી સતત ટ્રાફિકજામની સમસ્યા યથાવત રહી છે, જેના કારણે વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી જવા પામી છે.

ચોમાસાના વરસાદને કારણે હાઈવેના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બની ગયા છે. ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે અને ટ્રાફિકજામ સર્જાય છે. ખાસ કરીને અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી છે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા અમરાવતી ખાડી અને આમલાખાડીના સાંકડા બ્રિજ ટ્રાફિકજામમાં વધુ વધારો કરે છે. આ બ્રિજ પર એક સાથે ભારે વાહનોની અવરજવર થતા ગતિ ધીમી પડી જાય છે, જેનાથી લાંબી કતારો સર્જાય છે.

ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ જણાવ્યું કે, તેમને ખાધા-પીધા વિના 3 થી 4 કલાક સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. આ દરમિયાન મુસાફરોને સમયસર પોતાના નિધારિત સ્થળ પર પહોંચવામાં મુશ્કેલી થાય છે અને ઇંધણનો પણ મોટો બગાડ થાય છે.

અંકલેશ્વર ઔદ્યોગિક ક્ષેત્ર હોવાથી અહીં રોજિંદા હજારો ભારે વાહનોની અવરજવર રહે છે. ટ્રાફિકની હાલતને ધ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકાર ટોલટેક્સ વસૂલે છે પરંતુ હાઈવેની યોગ્ય મરામત કે વિસ્તરણ કરવામાં નિષ્ફળ રહી છે.

વાહનચાલકો અને સ્થાનિક લોકોએ તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે. લોકોનું કહેવું છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી છે, જેથી રોજેરોજની હાલાકીમાંથી મુક્તિ મળે. હાલની પરિસ્થિતિ જોતા સ્પષ્ટ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી ન કરવામાં આવે તો અંકલેશ્વર-ભરૂચ માર્ગ પર ટ્રાફિકજામની આ સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.