Surat News: સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલના 55 પોઇન્ટ ઉપરથી કુલ 155 ઇન્વટર બેટરીઓ ચોરી કરનાર બે ઇસમોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ, બેટરી સહિત કુલ 1.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગોડાદરા વિસ્તારમાંથી આરોપી રાજેશકુમાર રામઆસરે તિવારી (ઉ.38) અને લાલમણી હરીશંકર પાંડે (ઉ.32) ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 33 હજારની કિંમતની ટ્રાફિક સિગ્નલના ઇન્વટરની 6 નંગ બેટરી, એક મોપેડ અને 2 મોબાઇલ તેમજ બેટરી પોલની પેટી ખોલવાની એક નંગ ચાવી મળી કુલ 1.48 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રાજેશકુમાર રામઆસરે તિવારી પાંડેસરા જીઆઇડીસીમાં કપડાની ફેક્ટરીમાં માસ્ટર તરીકે નોકરી કરે છે જ્યારે અન્ય આરોપી લાલમણી હરીશંકર પાંડે ગોડાદરા મંગલપાંડે બીઆરટીએસ પાસે બ્રિજની પાસે લક્ષ્ય બેટરી ઇન્વેટરની ભાડેથી દુકાન રાખી બેટરીનો ધંધો કરે છે બંને આરોપીઓ ધો.12 સુધી ભણ્યા છે.
આરોપી રાજેશકુમાર તિવારી આરોપી લાલમણી પાંડેની મોપેડ ઉપર બપોરના બે થી ત્રણ વાગ્યાના સમય દરમ્યાન જુલાઈ 2026 થી આજદિન સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોતે સિગ્નલ ટેકનિકલ મેન્ટેન્સ કર્મચારી હોય તેવો ડોળ રચી જાહેર રોડ પર આવેલા ટ્રાફિક સિગ્નલ ઓપરેટ માટે વપરાતી ઇન્વટર બેટરીઓની પેટીના લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી કુલ 55 પોઇન્ટો પરથી 155 ઇન્વટર બેટરીઓની ચોરી કરી હતી અને આરોપી લાલમણી પાન્ડેને તે બેટરીઓ 1 હજારના ભાવે નજીવી કિંમતે વેચાણ કરી હતી અને લાલમણી પાન્ડેએ તે બેટરીઓ ભંગારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીઓને વધુ તપાસ અર્થે ખટોદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. આમ સુરત શહેરના 16 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલના 55 પોઇન્ટ ઉપરથી કુલ 155 ઇન્વટર બેટરીઓ ચોરી કરનાર આરોપીઓને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
