Surat: સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. ગઈકાલે વહેલી સવારે સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. વીતેલા 24 કલાકમાં સુરત શહેરમાં સરેરાશ 13.6 ઈંચ ધોધમાર વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ગઈકાલે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ મોડી રાતે ફરીથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી હતી. જેમાં આજે અત્યાર સુધીમાં 66 મિ.મી. (2.5 ઈંચ) વરસાદ નોંધાયો છે. આજે ભલે વરસાદનું જોર ઘટ્યું હોય, પરંતુ લોકોની હાલાકી અટકવાનું નામ નથી લઈ રહી.
શહેરના સણીયા હેમાદગામ, સરથાણા વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટી તેમજ સરથાણા વિસ્તારમાં આવેલી વાલમનગર સોસાયટી ઉપરાંત લીંબાયત મીઠીખાડી નજીક પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે.
સુરતના પુણાગામ પર્વત ગામ રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી અહી રોડ પર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા.
લીંબાયત મીઠીખાડી પાસે પાણી ભરાયા
સુરત શહેરમાં લીંબાયત મીઠીખાડી પાસે પાણી ભરાઈ ગયા હતા, કમરૂ નગર વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અહી મનપા દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મનપાના અધિકારીઓ અહી ઉપસ્થિત છે. અહી બોટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
સરથાણા વાલમ નગર અને શુભમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વાલમ નગર અને શુભમ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી અહી રોડ પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા.
સણીયા હેમાદ ગામમાં પાણી ભરાયા
સુરતનું સણીયા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા ગામમાં આવેલું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું દર વર્ષે સણીયા હેમાદ ગામમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. ગામમાં પાણી ભરાઈ જતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
