Surat: આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રામજી મંદિર ભક્તિના રંગે રંગાયું છે. અહી સવારથી જ અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. તેમજ બપોરે 12 વાગ્યે ભગવાન શ્રીરામજીનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની બાજુમાં જ આવેલું 'મંત્ર મંદિર' છે. ભારતભરમાં કદાચ આ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાનની પ્રતિમાને બદલે તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે.
સુરતના અડાજણના રામજી મંદિરમાં વહેલી સવારથી જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો હતો. સવારથી જ હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરી દેવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બપોરે ઠીક 12 કલાકે જ્યારે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો હતો, ત્યારે 'જય શ્રી રામ'ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
જન્મોત્સવ બાદ હજારો ભક્તો માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમી નિમિત્તે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ મંદિરની સૌથી મોટી વિશેષતા તેની બાજુમાં જ આવેલું 'મંત્ર મંદિર' છે. ભારતભરમાં કદાચ આ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં ભગવાનની કોઈ પ્રતિમાને બદલે તેમના પવિત્ર મંત્રોની પૂજા કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓ દ્વારા પોતાના હાથે લખાયેલા કુલ 1100 કરોડ રામનામ મંત્રો અહીં પવિત્ર રીતે એકત્રિત અને સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ મૂર્તિની નહીં, પણ આ કરોડો મંત્રોના ભંડારની પ્રદક્ષિણા કરીને ધન્યતા અનુભવે છે. આ ઉપરંત અહી પંચધાતુનો વિશ્વશાંતિ સ્થંભ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ અંગે મંદિરના સેવક મનિષભાઈ શુક્લએ જણાવ્યું કે, આ મંત્ર મંદિરની વિશેષતાએ એ છે કે, આ મંદિરમાં ભગવાનની પ્રતિમા કે મૂર્તિ નથી પણ ભગવાનનું નામ મંત્ર મુકેલા છે, અહિયાંથી અમે રામનામ લખવા માટે પુસ્તક અને પેન વિના મૂલ્યે આપીએ છીએ અને ભક્તો તે લખીને અમને પરત કરે છે.
અમારો સંકલ્પ હતો કે 1100 કરોડ મંત્ર ભેગા કરીને એની પૂજા કરવી અને આ અમારો સંકલ્પ પૂરો થઈ ચુક્યો છે, આ અવિરત સેવા અહિયાં હજુ ચાલુ જ છે અને આપણે કહીને કે 'રામ સે બડા રામ કા નામ' તો રામના મંત્રની અહિયાં પૂજા થાય છે. અહિયાં ભક્તો આવે છે અને પ્રદક્ષીણા પણ કરે છે અને તેમની મનોકામના પણ અહી પૂર્ણ થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહિયાં મંત્ર મંદિરની વચ્ચે એક સ્તંભ પણ મૂકવામાં આવ્યો છે, જે પંચધાતુનો છે. આ સ્તંભ વિશ્વ શાંતિ માટે મૂકવામાં આવ્યો છે. રામ નામના પોઝિટિવ વાઈબ્રેશન દ્વારા આખા વિશ્વમાં શાંતિ સ્થપાઈ.
