Surat New Civil Hospital: સુરતની નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલના પેથોલોજી તથા માઇક્રોબાયોલોજી વિભાગના લેબોરેટરી રિપોર્ટ દર્દીઓને ઘરે બેઠા તેમના મોબાઇલ પર WhatsApp મારફતે મળી રહે તે માટે નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
આ નવી વ્યવસ્થાના કારણે દર્દીઓએ લેબોરેટરી રિપોર્ટ મેળવવા માટે વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. દર્દીના રજીસ્ટ્રેશન સમયે તેમનો મોબાઇલ નંબર નોંધવામાં આવશે.
જે બાદ પેથોલોજી તથા માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં સંબંધિત રિપોર્ટ તૈયાર થયા બાદ તે દર્દીના નોંધાયેલા મોબાઇલ નંબર પર WhatsApp મારફતે મોકલવામાં આવશે. આ સુવિધાથી દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય તથા આવન-જાવનનો ખર્ચ બચશે અને લેબોરેટરી રિપોર્ટ સરળતાથી તથા સમયસર ઉપલબ્ધ બની શકશે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ કામગીરીમાં ઈ.આર.એમ.ઓ. ડો.લક્ષ્મણભાઈ તાહિલયાણી, નોડલ ઓફિસર–કિડની બિલ્ડિંગ ડૉ. ભરત પટેલ તેમજ સિસ્ટમ મેનેજર ડૉ.વિરેનભાઈ સહિતની ટીમ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને રજીસ્ટ્રેશન સમયે સાચો અને સક્રિય મોબાઇલ નંબર નોંધાવવા અપીલ કરવામાં આવી છે, જેથી લેબોરેટરી રિપોર્ટ WhatsApp મારફતે સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
