Surat New Civil Hospital: આજે દર 100 પૈકી 40 વ્યક્તિઓ શ્વાસ અને ફેફસાની બીમારીથી પીડાય છે. ગંભીર શ્વસન સમસ્યાઓ, ફેફસાના ચેપ તેમજ ટીબી (ક્ષયરોગ) જેવી બીમારીઓથી પીડાતા દર્દીઓને સમયસર અને અદ્યતન સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્યલક્ષી સુવિધાનો ઉમેરો થયો છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના 8મા માળે આવેલા TB વોર્ડમાં નવનિર્મિત 10 બેડની ‘રેસ્પિરેટરી ICU’ સુવિધાનો ટીબી વિભાગના એસો. પ્રોફેસર ડો. ખ્યાતિબેનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામા તથા મેડિકલ કોલેજના ડીન ડો. ચેતન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો
નવા શરૂ કરાયેલા રેસ્પિરેટરી ICUમાં કુલ 10 બેડની વ્યવસ્થા છે. દર્દીને ગંભીર પરિસ્થિતિમાં તાત્કાલિક અને સઘન સારવાર મળી રહે તે માટે તમામ બેડ પર વેન્ટિલેટર સહિતની અદ્યતન તબીબી સાધન સામગ્રી ઉપરાંત 24 કલાક દેખરેખ અને સતત સારવાર સુનિશ્ચિત કરવા માટે સ્ટાફ નર્સની પણ વ્યવસ્થા છે. અહીં વેન્ટિલેટર, સિરીંજ પમ્પ, મોનિટર, સોનોગ્રાફી મશીન, એક્સરે મશીન, ABG મશીનની પણ સુવિધા પણ છે.

ખાસ કરીને ટીબી, ફેફસાના ગંભીર ચેપ અને ન્યુમોનિયા, વાયરલ ન્યુમોનિયા, કેન્સર, દમ તેમજ કોવિડ શ્વસનતંત્રને લગતી ગંભીર બીમારીથી પીડાતા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ સુવિધા ખૂબ જરૂરી હતી. રોજના 20 દર્દીઓને આ ICU ની જરૂરીયાત રહે છે. જેને ધ્યાનમાં રાખીને રોજના અંદાજે 15 થી વધુ દર્દીઓને આ વિભાગમાં સારવારનો લાભ મળી શકશે.
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ગુણવત્તાયુક્ત અને અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવાની દિશામાં રેસ્પિરેટરી આઈસીયુની શરૂઆત મહત્વપૂર્ણ પગલું બની રહેશે. આ પ્રસંગે ડો.અશ્વિન, ડો. ગ્રીનિશ તમાકુવાલા, ERMO ડો. ભરત પટેલ, મેડિસિન વિભાગના SOD ડો. અશ્વિન વસાવા, આસિ. નર્સીગ સુપ્રિટેન્ડેન્ટ ભાવિકા પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા સહિત અન્ય રેસીડેન્સ તબીબો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
