સુરત જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ, તમામ મતદાન મથકો પર યોજાશે ખાસ કેમ્પ; જાણો કેમ્પની તારીખ

રવિવારે સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહી મતદાર નોંધણી અને સુધારાની કામગીરી કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Nov 2026 06:38 PM (IST)Updated: Mon, 23 Nov 2026 06:38 PM (IST)
surat-voter-list-special-revision-camps-november-december-2026

Surat Voter List Revision Camp: ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી, 2027 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ, 2027 હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત સુરત જિલ્લાના તમામ મતદાન મથકો પર 29 નવેમ્બર, 6 ડિસેમ્બર અને 13 ડિસેમ્બર, 2026 ના રોજ ખાસ કેમ્પ યોજવામાં આવશે. ત્રણેય રવિવારે સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર (BLO) ઉપસ્થિત રહી મતદાર નોંધણી અને સુધારાની કામગીરી કરશે.

તમામ મતદાન મથકો પર ત્રણ ખાસ કેમ્પ

મતદારયાદીમાં લાયક નાગરિકોનાં નામની નોંધણી થાય, યાદીમાં રહેલી ક્ષતિઓ દૂર થાય અને મતદાર યાદી વધુ ચોકસાઈપૂર્ણ બને તે હેતુથી ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશનાદિવસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લાના તમામ મતદાન મથક ખાતે ત્રણ ખાસ કેમ્પ યોજાશે:

  • 29 નવેમ્બર, 2026 (રવિવાર)
  • 6 ડિસેમ્બર, 2026 (રવિવાર)
  • 13 ડિસેમ્બર, 2026 (રવિવાર)

આ ત્રણેય દિવસ દરમિયાન સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સંબંધિત મતદાન મથક પર BLO ઉપસ્થિત રહેશે અને મતદારોને લગતી કામગીરી કરશે.

નવા મતદારો માટે ફોર્મ નંબર 6 ભરવાની તક

જે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા ઈચ્છે છે, તેઓ ખાસ કેમ્પ દરમિયાન નવા મતદાર તરીકે નોંધણી માટે ફોર્મ નંબર 6 ભરી શકશે. આ ઉપરાંત, મતદારયાદીમાં અગાઉ નામ નોંધાવવાનું રહી ગયું હોય તેવા લાયક નાગરિકો પણ આ ઝુંબેશનો લાભ લઈ શકશે.

નામ, સરનામું અને અન્ય વિગતોમાં સુધારો થશે

મતદારયાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો તેમાં સુધારો કરાવવા માટે પણ કેમ્પ દરમિયાન અરજી કરી શકાશે. સરનામામાં ફેરફાર કરવો હોય અથવા જરૂરી જણાય ત્યાં મતદાર યાદીમાંથી નામ કમી કરાવવું હોય તો તેના માટે પણ સંબંધિત ફોર્મ ભરી શકાશે.

આમ, નવા મતદારોની નોંધણીથી લઈને જૂની વિગતોમાં સુધારા અને નામ કમી કરાવવા સુધીની કામગીરી માટે નાગરિકોને એક જ સ્થળે સુવિધા મળશે.

18 વર્ષ પૂર્ણ કરનાર પણ નોંધણી કરાવી શકશે

ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, 1 જાન્યુઆરી, 2027 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વય પૂર્ણ કરતા લાયક નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવવા માટે અરજી કરી શકશે. અરજી કરતી વખતે નાગરિકોએ જરૂરી ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે રાખવા જરૂરી છે. મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવા અથવા જરૂરી સુધારા કરાવવા માટે નાગરિકો પોતાના વિસ્તારના સંબંધિત બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકશે.

સુરત જિલ્લા ચૂંટણી તંત્રની નાગરિકોને અપીલ

સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ લાયક નાગરિકોને આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારયાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય, વિગતોમાં સુધારો કરાવવાનો હોય કે નામની ચકાસણી કરાવવી હોય તેવા નાગરિકો પોતાના વિસ્તારના મતદાન મથક પર યોજાનારા ખાસ કેમ્પમાં ઉપસ્થિત રહી કામગીરી કરાવી શકશે.