Surat New Civil Hospital Doctor Suicide: સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કૉલેજમાં દોઢ મહિનાના ગાળામાં બીજા ડોક્ટરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં આજે થર્ડ યરના રેસિડન્ટ ડોક્ટરે અગમ્ય કારણોસર પોતાના હાથની નસ કાપી નાંખીને જીવાદોર ટૂંકાવી નાંખતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવી સિવિલ મેડિકલ કોલેજમાં એનાટોમી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતાં થર્ડ યરના રેસિડન્ટ ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિએ આજે પોતાના હાથની નસ કાપીને આપઘાત કરી લીધો હતો. યોગેન્દ્ર પ્રજાપતિ ડૉક્ટર ડિસેક્શન હોલમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી નહતો શકાયો.
પ્રાથમિક તપાસમાં મૃતક યોગેન્દ્ર પ્રજાપતિ પોતાની પત્ની સાથે રહેતા હતા. તેમના પત્ની પણ હોમિયોપેથીના તબીબ છે. જ્યારે તેમને સંતાનમાં એક બાળક પણ છે. મૃતકની MBBS પછીની તેમની ત્રણ વર્ષની રેસિડન્સી પણ પૂર્ણ થવા આવી હતી.
ડિસેક્શન હોલમાંથી લોહીથી લથપથ હાલતમાં લાશ મળી
આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે ડૉ. પારુલ વડગામાએ જણાવ્યું કે, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં થર્ડ યર પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી યોગેન્દ્ર પ્રજાપતિ આજે બપોરે 2 વાગ્યાથી ગુમ હતા. જેથી મિત્રો અને શિક્ષકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ડિસેક્શન હોલમાંથી તેમની રક્તરંજિત લાશ મળી આવી હતી. વધારે પડતું લોહી વહી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતુ.
યોગેન્દ્ર પ્રજાપતિ અહીં તેમની પત્ની સાથે રહેતા હતા. જ્યારે છેલ્લા 7 મહિનાથી તેમના પિતા પણ અહીં તેમની સાથે જ રહેતા હતા. જો કે ચારેક દિવસથી પિતા તેમની સાથે નહતા. પતિએ ક્યા કારણોસર અંતિમ પગલું ભર્યું, તેનાથી પત્ની પણ અજાણ છે. પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ જેવું કંઈ લાગતુ નથી. એકવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવે, ત્યાર બાદ વધુ વિગતો મળશે.
બીજી તરફ મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ત્રીજા વર્ષના વિદ્યાર્થી દ્વારા હાથની નસ કાપીને આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ મને ફોન દ્વારા કરવામાં આવી હતી. તેઓને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં સારવાર અર્થે શિફ્ટ કર્યા બાદ હું અહી પહોંચ્યો હતો. જ્યાં જાણ થઇ કે તેઓને બચાવી શકાયા નથી તેમને મૃત જાહેર કરાયા છે. આ ખૂબ ગંભીર બાબત છે. પોલીસ કાર્યવાહી અંતર્ગત મૂળ કારણ શું છે તે જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું.
