Surat Garba 2026: નવરાત્રીના પાવન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં અનોખી અને પ્રેરણાદાયી સેલિબ્રેશન યોજાયું હતું. મોટા ગરબા આયોજનોમાં થતી ભારે ભીડભાડ અને ધક્કામુક્કીના કારણે જે સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોની માતાઓ ગરબા રમવાથી વંચિત રહી જાય છે, તેમના માટે નૂપુર હોસ્પિટલ દ્વારા એક ખાસ પ્રી-નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં માતાઓએ પોતાના માસૂમ બાળકોને બેબી કેરિયર દ્વારા છાતીએ બાંધીને પરંપરાગત વસ્ત્રોમાં ઉત્સાહભેર ગરબે ઘૂમી હતી.
આ માહિતી આપતા નૂપુર હોસ્પિટલના ડૉ. ખુશાલીએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા છેલ્લા પાંચથી સાત વર્ષથી ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓ માટે આવા વિશેષ આયોજનો કરવામાં આવે છે. મોટા ગ્રાઉન્ડ્સમાં સગર્ભા બહેનો માટે ગરબા રમવા જોખમી સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને અહીં વિશેષ કાળજી રાખવામાં આવે છે.
અહી એકદમ ધીમા, લયબદ્ધ અને સંપૂર્ણ સલામત સ્ટેપ્સ કરાવવામાં આવે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતા અને આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે ઉત્તમ કાર્ડિયો એક્ટિવિટી પૂરી પાડે છે. આ વર્ષે આ ઉત્સવમાં આશરે પંદરથી વીસ સગર્ભા મહિલાઓ અને પંદરથી પચ્ચીસ જેટલી માતાઓએ પોતાના નવજાત બાળકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અનોખા સેલિબ્રેશનમાં સહભાગી થયેલા લોકોએ પોતાના હૃદયસ્પર્શી અનુભવો પણ શેર કર્યા હતા. માત્ર બે મહિનાની બાળકીની માતા ક્રિયા શાહે જણાવ્યું કે, તેમની દીકરી નાની હોવાથી મોટા ગ્રાઉન્ડમાં જવું મુશ્કેલ હતું. જો કે અહીં સુરક્ષિત માહોલ અને યોગ્ય સ્ટેપ્સ મળવાને કારણે તેઓ પોતાની દીકરી સાથે પ્રથમ વખત ઘરની બહાર નીકળીને આ પર્વની અનોખી ખુશી માણી શક્યા છે.
આવી જ રીતે આઠમા મહિનાની સગર્ભા અમીએ પણ પોતાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગરબા પ્રત્યેના ભારે ઉત્સાહ છતાં મોટા આયોજનોમાં જવું શક્ય નહોતું, પરંતુ હોસ્પિટલના આ સુરક્ષિત આયોજનમાં હળવા સ્ટેપ્સ દ્વારા કોઈપણ તકલીફ વિના ગરબા રમવાનો અનેરો આનંદ મળી રહ્યો છે. સુરતમાં યોજાયેલી આ પ્રેરણાદાયી પહેલે માત્ર ગરબાની મજા જ બેવડી નથી કરી પરંતુ માતૃત્વના આ સુંદર તબક્કાને પણ યાદગાર બનાવી દીધો છે.
-1791559337351_m.webp)