સુરતના બાઇકર્સનો અનોખો ભક્તિભાવઃ ડભારી બીચ પર 71 બાઇક્સથી માઁ દુર્ગાની મુખાકૃતિ બનાવી, જુઓ મનમોહક ડ્રોન વીડિયો

નવરાત્રી પર્વમાં અમે 71 બાઈક્સથી ડભારી બીચ ઉપર માઁ દુર્ગાની આકૃતિ બનાવી હતી. અમે અમારી આગવી શૈલીમાં માં દુર્ગા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 11 Oct 2026 03:53 PM (IST)Updated: Sun, 11 Oct 2026 04:07 PM (IST)
surat-navratri-2026-bikers-create-maa-durgas-face-with-71-bikes-at-dabhari-beach-watch-drone-video

Surat News: આજથી ગુજરાતના સૌથી મોટા પર્વ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. આ નવરાત્રીના પ્રથમ નોરતે સુરતના બાઇકર્સ દ્વારા માતા દુર્ગા પ્રત્યેના પોતાના ભક્તિભાવને અનોખી રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરત બાઇકિંગ કોમ્યુનિટી દ્વારા ડભારી બીચ ખાતે 71 મોંઘી બાઇક્સ થકી માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ બનાવવામાં આવી હતી. જેનો ડ્રોન વીડિયો સામો આવ્યો છે. આ વખતે નવો વિશ્વ રેકોર્ડ નોંધાય તેવી શક્યતા કોમ્યુનિટીના પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમે ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રમોટ કરીએ છે

સુરત બાઇકિંગ કમ્યુનિટી (SBC)ના પ્રમુખ પિનાક મશરૂવાલાએ જણાવ્યું કે, અમારું મોટરસાયકલ ક્લબ સુરત બાઇકિંગ કમ્યુનિટી નિયમિતપણે વિવિધ રાઇડ્સ અને સામાજિક-સાંસ્કૃતિક ઇવેન્ટ્સનું આયોજન કરે છે. અમે દર વર્ષે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વો પર અમે ભવ્ય સિગ્નેચર રાઇડ્સ યોજીએ છીએ. આ સાથે જ અમે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને પણ ઉત્સાહભેર પ્રમોટ કરીએ છીએ. મહાશિવરાત્રી નિમિત્તે અમે બાઇકથી ઓમ બનાવ્યો હતો. એના સાથે સાથે આપણે રામ નવમી ઉપર મોટું ભવ્ય રામ નામ બાઈકથી લખ્યું હતું. જેમાં 65 બાઈક્સ હતી અને એની સાથે સાથે એને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું.

71 બાઈક્સથી ડભારી બીચ ઉપર માઁ દુર્ગાની આકૃતિ બનાવી

નવરાત્રિ નિમિત્તે કરાયેલા આ નવા આયોજન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હવે નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી ગુજરાતનો સૌથી મોટો પર્વ છે. એક કહી શકાય મહાપર્વ છે અને આપણી ગુજરાતની આઇડેન્ટિટી સાથે જોડાયેલો છે. નવરાત્રી પર્વમાં અમે 71 બાઈક્સથી ડભારી બીચ ઉપર માઁ દુર્ગાની આકૃતિ બનાવી હતી. જેમ નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ પંડાલ સજાવીને, ગરબા રમીને કે મહાઆરતીથી લોકો માતાજી પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે. એવી જ રીતે અમે અમારી આગવી શૈલીમાં માઁ દુર્ગા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આ આકૃતિ સાકાર કરવા માટે સમગ્ર ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી છે.

આ વખતે નવો રેકોર્ડ સર્જાય તેવી શક્યતા

આ આયોજનમાં વિવિધ મોટરસાયકલ બ્રાન્ડ્સ તરફથી પણ પૂરતો સાથ-સહકાર સાંપડ્યો હતો, જેને લઈને આયોજકોએ તમામ બ્રાન્ડ્સ અને રાઇડર્સનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, અગાઉ રામનવમી વખતે 65 બાઇક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે 71 બાઇક્સ સાથે માઁ દુર્ગાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેથી આ વખતે એક નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. આ અંગે અમે વાતચીત કરી રહ્યા છે અને જોઈએ આમાં શું સંભાવના થઈ શકે છે.