સુરત નેચર પાર્કને દિવાળી વેકેશન ફળ્યુંઃ 3 દિવસમાં 53 હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા, 15.60 લાખની થઇ આવક

તહેવારોની રજાઓમાં હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન્યજીવોને નિહાળવા માટે સવારથી જ પાર્ક બહાર લાંબી કતારો જોવા મળી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 01:07 PM (IST)Updated: Thu, 12 Nov 2026 01:07 PM (IST)
surat-nature-park-becomes-popular-family-destination-during-diwali-more-than-53-thousand-visitors-in-just-three-days

Surat News: સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત નેચર પાર્કમાં દિવાળી વેકેશન દરમિયાન સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનની રજાઓમાં પરિવાર અને બાળકો સાથે ફરવા નીકળેલા સુરતીઓ સહિતના મુલાકાતીઓ મોટી સંખ્યામાં નેચર પાર્ક પહોંચી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસના આંકડા મુજબ નેચર પાર્કમાં કુલ 53,364 મુલાકાતીઓ નોંધાયા છે. જેના થકી નેચર પાર્કને કુલ રૂ. 15,60,200ની આવક થઈ છે.

મળતી માહિતી મુજબ, સરથાણા સ્થિત મનપા સંચાલિત નેચર પાર્કમાં 1 ગત 9 નવેમ્બર, 2026નારોજ 6,004 મુલાકાતીઓ નોંધાયા હતા. આ દિવસે પાર્કને ટિકિટ મારફતે રૂ. 4,72,020ની આવક થઈ હતી.ત્યારબાદ 10 નવેમ્બરના રોજ મુલાકાતીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ દિવસે એક જ દિવસમાં 21,805 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જેના થકી રૂ. 6,39,820ની આવક થઈ હતી. જ્યારે 11 નવેમ્બર, 2026ના રોજ 15,555 મુલાકાતીઓ નોંધાયા હતા અને રૂ. 4,48,360ની આવક થઈ હતી. આમ છેલ્લા ત્રણ દિવસના આંકડા મુજબ નેચર પાર્કમાં કુલ 53,364 મુલાકાતીઓ નોંધાયા છે. જેના થકી નેચર પાર્કને કુલ રૂ. 15,60,200ની આવક થઈ છે.

દિવાળી વેકેશનમાં નેચર પાર્કમાં જોવા મળી રહેલી આ ભીડ દર્શાવે છે કે સુરતીઓમાં પરિવાર સાથે ફરવા અને પ્રકૃતિ તથા વન્યજીવનને નજીકથી નિહાળવા માટેનો ઉત્સાહ યથાવત્ છે. ખાસ કરીને બાળકો માટે નેચર પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આગામી રજાઓમાં પણ અહીં મુલાકાતીઓનો ધસારો યથાવત્ રહેવાની શક્યતા છે. તહેવારોની રજાઓમાં હરિયાળી અને શાંત વાતાવરણ વચ્ચે વન્યજીવોને નિહાળવા માટે સવારથી જ પાર્ક બહાર લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને પાર્કમાં સિંહ અને વાઘ જેવા ભવ્ય પ્રાણીઓને પ્રત્યક્ષ જોઈને બાળકોમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરત મનપા દ્વારા સફાઈ, ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમ્યાન સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં ખુબ વધારો થાય છે. ગત 8 નવેમ્બરથી દિવાળી શરુ થયા બાદ જ સરથાણા નેચર પાર્કમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી રજાઓમાં પણ અહીં મુલાકાતીઓનો ધસારો યથાવત્ રહેવાની શક્યતા છે.