Sarthana Nature Park: સુરતના લોકો માટે દિવાળી વેકેશન દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળીની રજાઓમાં સરથાણા નેચરપાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી વેકેશન દરમિયાન સરથાણા નેચરપાર્ક સોમવારે પણ મુલાકાતીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે.તા. 5 નવેમ્બરથી તા. 25 નવેમ્બર સુધીના દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન આવતા સોમવારે પણ સરથાણા નેચરપાર્ક ખુલ્લું રહેશે.
સરથાણા નેચર પાર્ક સોમવારે ખુલ્લો રખાશે
સામાન્ય દિવસોમાં સરથાણા નેચરપાર્ક દર સોમવારે સાપ્તાહિક રજા નિમિત્તે બંધ રાખવામાં આવે છે. જોકે, દિવાળી વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં બાળકો અને પરિવારજનો ફરવા માટે નીકળતા હોવાથી મુલાકાતીઓને વધુ સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકાના નિર્ણય મુજબ, તા. 5 નવેમ્બરથી તા. 25 નવેમ્બર સુધીના દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન આવતા સોમવારે પણ નેચરપાર્ક જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. એટલે કે, હવે મુલાકાતીઓ સોમવારના દિવસે પણ સરથાણા નેચરપાર્કની મુલાકાત લઈ શકશે.
તહેવારોમાં રજાના નિયમમાં ફેરફાર
નોંધનીય છે કે, પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીઓની જાળવણી અને જરૂરી વ્યવસ્થાઓ માટે સામાન્ય રીતે સોમવારનો દિવસ સાપ્તાહિક રજા તરીકે રાખવામાં આવે છે. પરંતુ તહેવારોની રજાઓમાં પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વખતે રજાના નિયમમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
શહેરીજનો માટે નિર્ણય રાહતરુપ
દિવાળી વેકેશનમાં નેચરપાર્કની મુલાકાતે આવતા બાળકોને વિવિધ વન્યજીવો અને પક્ષીઓને નજીકથી નિહાળવાની સાથે પ્રકૃતિ વિશે જાણવાની તક પણ મળશે. પરિવાર સાથે સમય પસાર કરવા માટે સરથાણા નેચરપાર્ક પસંદ કરતા સુરતીઓ માટે પાલિકાનો આ નિર્ણય ચોક્કસ રાહતરૂપ સાબિત થશે.
