Surat News:વિઘ્નહર્તા ગણેશજીના આગમન સાથે સુરત શહેર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના રંગે રંગાઈ જાય છે. ઘેર-ઘેર ગણેશજીની સ્થાપના થાય છે, આરતીના પવિત્ર સ્વર ગુંજે છે અને સમગ્ર વાતાવરણ ગણેશમય બની જાય છે. પરંતુ આ ભક્તિ સાથે આપણી એક નૈતિક અને સામાજિક જવાબદારી પણ જોડાયેલી છે ગણેશજીની વિદાય પણ એવી જ શ્રદ્ધા અને સંવેદનશીલતાથી કરીએ કે આપણા નદી-તળાવો અને કુદરતી જળસ્ત્રોતોનું પવિત્ર પર્યાવરણ જળવાઈ રહે. “ભક્તિ પણ, પર્યાવરણની રક્ષા પણ”ના સંકલ્પ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને નાની ગણેશજીની મૂર્તિઓનું નદીમાં વિસર્જન ન કરી, ઘરે જળકુંડમાં, સોસાયટીની યોગ્ય વ્યવસ્થામાં અથવા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા જનજાગૃતિ અપીલ કરવામાં આવી રહી છે.
ગણેશજી પ્રત્યેની આ અખૂટ શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણા પર્યાવરણની સુરક્ષા કરવી પણ આપણી સામૂહિક જવાબદારી છે. ગણેશોત્સવની ઉજવણી દરમિયાન મૂર્તિ વિસર્જન યોગ્ય અને પર્યાવરણમૈત્રી રીતે કરવામાં આવે તો તહેવારની પવિત્રતા સાથે શહેરની સ્વચ્છતા અને પર્યાવરણનું જતન પણ કરી શકાય છે. ઘરે સ્થાપિત કરવામાં આવતી નાની કદની ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે નદી કે અન્ય કુદરતી જળસ્ત્રોતોનો ઉપયોગ ન કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. નાની મૂર્તિઓનું ઘરે જ યોગ્ય જળકુંડ બનાવીને, સોસાયટીની ખુલ્લી જગ્યામાં વ્યવસ્થિત રીતે જળકુંડની વ્યવસ્થા કરીને અથવા સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી શકાય છે.
આવી વ્યવસ્થા અપનાવવાથી ગણેશજી પ્રત્યેની ધાર્મિક ભાવના અને પરંપરા જળવાઈ રહેવાની સાથે નદી, તળાવ તથા અન્ય કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે.ગણેશજીની મૂર્તિની સ્થાપના જેટલી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે, તેટલી જ શ્રદ્ધા અને જવાબદારી સાથે મૂર્તિનું વિસર્જન કરવું પણ જરૂરી છે. પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે કરવામાં આવેલું મૂર્તિ વિસર્જન એ પણ ગણેશજી પ્રત્યેની સાચી ભક્તિનું જ એક સ્વરૂપ છે.
