Surat News: સુરત શહેરમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી સમગ્ર શિક્ષા-સુરત કોર્પોરેશન દ્વારા શાળા બહારના બાળકોની ઓળખ, નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન શહેરના વિવિધ ઝોન, ક્લસ્ટર અને શાળા કક્ષાએ સર્વે કરવામાં આવશે.
શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. સમાજનો કોઈપણ વર્ગ કે બાળક આર્થિક, સામાજિક કે શારીરિક કારણોસર શિક્ષણના પ્રવાહથી વંચિત ન રહી જાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારના 'સમગ્ર શિક્ષા' અભિયાન અંતર્ગત પ્રતિવર્ષ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અભિયાન થકી અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનાર કે શાળાએ ન જતા બાળકોને ઓળખીને તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે.
સુરત શહેરમાં દર વર્ષે જુદા-જુદા કારણોસર શાળા બહાર રહેલા 6 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકો તથા જેઓ પોતાનું ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી, તેવા તમામ 'શાળા બહારના બાળકો' તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની ઓળખ, નામાંકન અને શૈક્ષણિક પુન:વસન માટે સઘન કામગીરી કરવામાં આવનાર છે.
આગામી 4 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન સુરત શહેરના અલગ-અલગ ઝોન, ક્લસ્ટર અને શાળા કક્ષાએ શાળા બહારના બાળકોનો ખાસ સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેની કામગીરીમાં શિક્ષકો અને સંબંધિત સ્ટાફ દ્વારા ડોર-ટુ-ડોર તથા વિવિધ વિસ્તારોમાં જઈને આવા બાળકોની માહિતી એકત્રિત કરવામાં આવશે, જેથી તેમને યોગ્ય વય જૂથ મુજબ વર્ગમાં પ્રવેશ અપાવી શકાય.
સુરત શહેરના તમામ વાલીઓ, નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે કે, જો તેમની આસપાસ 6 વર્ષથી 18 વર્ષની વયનું કોઈ પણ બાળક શાળાએ ન જતું હોય કે અભ્યાસ અધૂરો છોડી દીધો હોય, તો સર્વેની ટીમને તેની જાણ કરી આ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનો.
