Surat Ganeshotsav: આગામી સમયમાં ગણેશોત્સવ આવી રહ્યો છે, ત્યારે ભક્તિની સાથે પર્યાવરણનું પણ જતન થઈ શકે તે માટે મનપા દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રિસાયકલ થઈ શકે તેવું 1 કિલો અથવા તેથી વધારે પ્લાસ્ટિક આપે તે લોકોને ગણેશજીની ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ આપવામાં આવી રહી છે. આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 750 જેટલી મૂર્તિઓનું તમામ ઝોનમાં વિતરણ કરવામાં આવી છે અને 1200 કિલોથી પણ વધારે રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું છે.
સુરત મનપાનું અનોખું અભિયાન
ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી થાય તેવા ઉત્તમ ઉદ્દેશ્યથી સુરત મહાનગર પાલિકા દ્વારા એક અનોખું અભિયાન શરુ કરાયું છે. મનપા દ્વારા દરેક ઝોન ઓફીસ પર 5R સેન્ટરો પર ઓછામાં ઓછું એક કિલો કે તેથી વધુ રિસાયકલ પ્લાસ્ટિક આપો અને માટીના ગણેશજીની મૃતિ લઈ જાઓ. ઝુંબેશને શહેરીજનો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 1200 કિલોથી વધુ રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક જમા થયું છે, 750 જેટલી મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઝોનવાઇઝ ઓફિસોમાં ઉભી કરાઈ વ્યવસ્થા
આ યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ કે પરિવાર રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક જેમ કે, પ્લાસ્ટિકની બોટલ, જૂના ડબ્બા વગેરે જમા કરાવીને વિના મુલ્યે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની માટીની મૂર્તિ મેળવી શકે છે. મનપા દ્વારા તમામ ઝોન ઓફીસમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સખીમંડળની બહેનો બનાવે છે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ
નાયબ આરોગ્ય અધિકારી ડો. રીકીતા પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેર સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણમાં હંમેશા અગ્રેસર રહ્યું છે, આ વર્ષે ગણેશોત્સવ દરમ્યાન સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમદા અને આસ્થા સાથે પર્યાવરણનું સંરક્ષણ એ હેતુને ધ્યાને લઈને શહેરીજનોમાં પ્લાસ્ટિક અંગે જાગૃતિ આવે તે માટે નવો અભિગમ અપનાવ્યો છે. ગણેશોત્સવ દરમ્યાન કોઈ શહેરીજનો એક કિલો અથવા તો વધારે રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક લાવે તો તેના બદલમાં એક ઈકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિ આપવામાં આવે છે, શહેરના તમામ ઝોનમાં આ વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથે સાથે આ ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ આ સખી મંડળની બહેનો દ્વારા આપવામાં આવે છે.
750 જેટલી મૂર્તિઓનું તમામ ઝોનમાં વિતરણ
વધુમાં જણાવ્યું હતું કે, શહેરીજનોમાં પ્લાસ્ટિક અંગે જાગૃતિ આવે અને પર્યાવરણનું સંરક્ષણ થાય. આસ્થા સાથે આપણે ભક્તિ કરીએ અને પર્યાવરણનું પણ જતન કરીએ એવા ઉમદા હેતુથી સુરત મહાનગર પાલિકા દ્વારા આ પહેલ કરવામાં આવી છે, આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 750 જેટલી મૂર્તિઓનું તમામ ઝોનમાં વિતરણ કરવામાં આવ્યું છે. 1200 કિલોથી પણ વધારે રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું છે. શહેરીજનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.
