Surat GPS Property Survey: સુરત શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ પારદર્શક તથા આધુનિક સેવાઓ પ્રદાન કરવા માટે સુરતમહાનગરપાલિકા દ્વારા આકારણી અને વસુલાતની કામગીરીને વધુ અસરકારક બનાવવા એક મહત્વાકાંક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ તમામ મિલકતોનીઆકારણીની માહિતી વધુ સચોટ અને અદ્યતન બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના અભિયાન અંતર્ગત મંજૂર પ્લાન, રજા ચિઠ્ઠી, B.U.C. પરવાનગી ધરાવતી મિલકતોની નોંધણી અને આકારણી અને વેરા સંબંધિત વિગતોનું સ્થળ સ્થિતિ અનુસાર વ્યાપક વેરિફિકેશન જેમાં નોંધણી, મિલ્કતનો હેતુ, ઉપયોગના પ્રકાર જેવી તમામ બાબતોને આવરી લઈ કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત, ઓફલાઇન વોર્ડ રિવિઝન પ્રક્રિયાના સ્થાને સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ અદ્યતન ઓનલાઇન એપ્લિકેશન આધારિત સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. જેના પરિણામે મિલકત આકારણી અને વેરા વ્યવસ્થાપનની સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનશે.
ખાસ કરીને, GPS આધારિત આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શહેરની મિલકતોનો ડિજિટલ ડેટાબેઝ વધુ ચોક્કસ અને અપડેટ કરવામાં આવશે. જે ભવિષ્યમાં નાગરિક સેવાઓને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવશે. સુરત મહાનગરપાલિકાનો આ પ્રયાસ ટેકનોલોજી આધારિત વહીવટને પ્રોત્સાહન આપવા, મિલકત વેરા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તથા મનપાની આવકમાં નિયમબદ્ધતા અને કાર્યક્ષમતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહેશે.
