Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 115 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થયા બાદ, પાલિકાના નવા પદાધિકારીઓ કોણ બનશે તે અંગે છેલ્લા એક મહિનાથી ચર્ચા અને અટકળોનું મોજું ફરી વળ્યું હતું. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા ચર્ચાના આ તોફાન વચ્ચે આખરે પાલિકાની નવી ટર્મની પ્રથમ સામાન્ય સભાની તારીખ જાહેર થઈ ગઈ છે. મનપા તંત્ર દ્વારા આગામી 28 મેના રોજ સામાન્ય સભા યોજવા માટેનો સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કરી દેવામાં આવતા સભાની તારીખને લઈને ચાલતી તમામ અટકળો પર આખરે પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે.
સામાન્ય સભામાં નવા મેયરની પસંદગી કરવામાં આવશે
પાલિકા દ્વારા જાહેર કરાયેલા એજન્ડા અનુસાર, 28 મેના ગુરુવારે સવારે 11 વાગ્યે તાપી ભવન કચેરી ખાતે નવી ટર્મની આ પ્રથમ સભા યોજાશે. આ સભામાં આગામી અઢી વર્ષની મુદ્દત માટે શહેરના નવા મેયરની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ આગામી અઢી વર્ષની મુદ્દત માટે ડેપ્યુટી મેયર પદના નામની જાહેરાત કરવામાં આવશે. આ બંને મહત્વના પદોની વરણી થયા બાદ અંતે સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના 12 કોર્પોરેટરોની સભ્યો તરીકે પસંદગી કરવામાં આવશે.
સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કરતા રાજકીય ગરમાવો
આ સામાન્ય સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તુરંત જ સ્થાયી સમિતિની ખાસ સભા બોલાવવામાં આવશે. આ સભામાં સ્થાયી સમિતિના ચેરમેનની સત્તાવાર પસંદગી કરવામાં આવશે. આમ, સુરત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સભાનો સત્તાવાર એજન્ડા પ્રસિદ્ધ કરતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે અને કયા કયા ચહેરાઓને આ મહત્વના પદો પર સ્થાન મળશે, તેને લઈને નામોની ચર્ચા ફરી એકવાર જોરશોરથી શરૂ થઈ ગઈ છે.
28મી મે એ બકરી ઈદની રજા જાહેર કરાઈ
કેન્દ્ર સરકાર દ્વારા 28 મેના રોજ બકરી ઇદની રજા જાહેર કરવામાં આવી છે. અગાઉ 27 મેની જાહેર રજા સામે હવે 28મીનું નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવતા સામાન્ય સભાની બેઠકને લઇ મૂંઝવણ વધી હતી. જોકે, એજન્ડા પ્રસિદ્ધ થઇ ચૂક્યો હોય અને કાયદાકીય જોગવાઇ પ્રમાણે 28 મી સુધીમાં જ નવી બોર્ડની રચના કરવું ફરજીયાત હોય તારીખમાં બદલાશે નહીં એવું સૂત્રોએ જણાવ્યું હતું. ગત 28 એપ્રિલે ચૂંટણી પરિણામ, 1 મેના રોજ ઇ-ગેઝેટને જોતાં 28 મે સુધીમાં નવી બોર્ડની રચના જરૂરી હોય જાહેર રજા, છતાં બેઠક મળશે.
