Surat News: સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી મોટા પાયે પરીક્ષા યોજાવા જઈ રહી છે. આગામી રવિવારે એટલે કે 11 ઓક્ટોબરના રોજ ત્રીજી શ્રેણી ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આગામી રવિવારે, 11 ઓક્ટોબરના રોજ રાજ્યના ત્રણ મોટા શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે આ મેગા પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે પાલિકા તંત્ર માટે પણ એક મોટી કસોટી સમાન સાબિત થશે.
સુરત મહાનગર પાલિકામાં 2500થી વધુ જગ્યાઓ પર ભરતી માટે 11 માર્ચના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી હતી, પાલિકાની ભરતી જાહેરાત બાદ 2500થી વધુ જગ્યાઓ માટે અધધ 2 લાખથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. દરમ્યાન આગામી રવિવારે ત્રીજી શ્રેણી ક્લાર્કની લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 717 ખાલી જગ્યાઓ સામે રાજ્યભરમાંથી અંદાજે 1.16 લાખ જેટલા પરીક્ષાર્થીઓ મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો
આ પરીક્ષાનું વિશેષ આકર્ષણ એ છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય 8 રાજ્યોના ઉમેદવારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. સુરત શહેરમાં સૌથી વધુ 250 કેન્દ્રો પર આશરે 80,000 ઉમેદવારો પરીક્ષા આપશે, જ્યારે બાકીના પરીક્ષાર્થીઓ અમદાવાદ અને રાજકોટના કેન્દ્રો પર બેસશે. આમ, કુલ 400 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર આ પરીક્ષા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
પરીક્ષા પદ્ધતિની વિગતો મુજબ, ઉમેદવારોએ બે કલાકના નિર્ધારિત સમયગાળામાં 100 વૈકલ્પિક પ્રશ્નો (MCQ) ઉકેલવાના રહેશે. સમગ્ર પ્રક્રિયા અત્યંત પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો સ્ટાફ, નિરીક્ષકો અને સુપરવાઇઝરોની ખાસ નિયુક્તિ કરવામાં આવી છે જેથી લાખો ઉમેદવારોને કોઈ પણ અગવડનો સામનો કરવો ન પડે.
