Surat Crime News: વર્ષ 2017માં આવેલી ફિલ્મ મોમ એક એવી માતા પર આધારિત છે, જેની પુત્રી સાથે દુષ્કર્મ થાય છે. જેનો બદલો લેવા મુખ્ય પાત્ર તરીકે આ માતા મેદાને ઉતરે છે. આવો જ એક કિસ્સો હાલમાં જ સુરત શહેરમાં બન્યો છે. ઉધના વિસ્તારમાં એક 12 વર્ષીય કિશોરીની છેડતી કરવામાં આવી હતી. આ વાતની જાણ થતા ભોગ બનનારની માતાએ છેડતી કરનાર શખ્સને પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યા હતા.
રોડસાઇડ રોમિયોને રસ્તા પર જ ઢીબી નાખ્યો
આ પણ વાંચો
આ બનાવની મળતી વિગત અનુસાર ગત 30 જાન્યુઆરીની રાતે ઉધના વિસ્તારમાં એક યુવકે 12 વર્ષની કિશોરીની છેડતી કરી હતી. આ બનાવ અંગેની જાણ થતા 12 વર્ષીય દીકરીની માતા રોષે ભરાઈ હતી. વધુમાં આ મહિલાએ પોતાની દીકરીની છેડતી કરનાર યુવકનો કોલર પકડી લઈ રસ્તા પર જ એક બાદ એક એમ અનેક લાફા ઝીંકી દીધા હતા. માતાનો આક્રોશ એટલો હતો કે ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
પહેલા માતાએ લાફા ઝીંક્યા, પછી ટોળાએ ઢીબી નાખ્યો
માતા જ્યારે યુવકને મેથીપાક આપી રહી હતી ત્યારે ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો. આ દરમિયાન કોઈએ સમગ્ર બનાવનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ કહેતી સંભળાય છે કે આ શખ્સ અગાઉ પણ છેડતી કરતાં પકડાયો હતો, ત્યારે તેણે ડુમ્મસથી લોકો બોલાવવાની ધમકી આપી હતી.
પોલીસે કરી અટકાયત, હોસ્પિટલ લઈ જવો પડ્યો
આ બનાવ દરમિયાન સ્થળ પર ભેગા થયેલા સ્થાનિક લોકોએ પણ રોમિયોને મેથીપાક ચખાડ્યો હતો. લોકોના મારથી આરોપીની ચહેરો પણ બદલાઈ ગયો હતો અને તેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. વધુમાં લોકોએ પોલીસને જાણ કરતા ઉધના પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો, જ્યાં પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં કિશોરીની છેડતી કરનાર શખસનો કોલર પકડીને મહિલા કહી રહી છે કે, તમારા જેવા લોકોને કારણે આજે માતા-પિતા પોતાની દીકરીઓને બહાર મોકલતાં પણ ડર છે. આ વીડિયો પર સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રતિભાવો આવી રહ્યા છે.
માતાએ આપ્યો સ્વ-રક્ષણનો મજબૂત સંદેશ
વધુમાં, રોમિયોને મેથીપાક ચખાડ્યા બાદ પીડિતાની માતાએ ત્યાં હાજર અન્ય છોકરીઓને સંબોધીને કહ્યું કે,"દરેક જગ્યાએ મા-બાપ તમારી સાથે નહીં હોય. જો કોઈ તમારી છેડતી કરે તો ગભરાવાને બદલે તેને વળતો જવાબ આપવો અને લાફો ઝીંકી દેવો. જો તમે ડરશો તો એ લોકો વધુ ડરાવશે."
કોણ છે આરોપી?
આ મામલે PI જીતેન્દ્ર જામરે જણાવ્યું કે, આરોપી ગોડાદરા વિસ્તારમાં રહે છે અને પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે ફરવા માટે ઉધના આવ્યો હતો. આરોપી કાર વોશિંગનું કામ કરે છે અને તેનું નામ અજય વિજય વિરાડે છે. હાલ તેની સામે અટકાયતી પગલાં લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
