Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરી કરીને તરખાટ મચાવનાર કુખ્યાત ચીકલીગર ગેંગના 4 સાગરિતોને આણંદની ચીખોદરા ચોકડી નજીકથી ઝડપી પાડ્યા છે. જેમની પૂછપરછમાં ઘરફોડ અને વાહન ચોરી મળી 12 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આણંદની ચીખોદરા ચોકડી ખાતેથી આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ, મધુસિંગ ઉર્ફે બાદલસીંગ ટાંક (ચીકલીગર) (૨) મલીન્દરસીંગ ઉર્ફે મલ્લુ રાજુસીંગ બાવરી (૩) અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ઉર્ફે બલવંતસીંગ દુધાની (ચીકલીગર) (૪) જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગ રાજેશસીંગ ભાદાને પકડી પાડી તેમના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
બંધ મકાનના તાળા તોડી કરતા હતા ચોરી
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓએ ગત 28 ડિસેમ્બરે રાતના સમયે કડોદરા ખાતેથી બે બાઇક ચોરી કરી હતી. આ ચોરીના વાહનો લઈને અમરોલી જુના કોસાડ રોડ ઉપર આવેલી સાંઇધામ સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારમાં મોડી રાત્રીના સમયે આવી વોચ કરી અલગ અલગ ત્રણ બંધ મકાનના તાળા તોડી ઘરમા પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે બાદ પરત કડોદરા ખાતે જઇ ત્યા પણ એક ઘરફોડ ચોરી કરી હતી અને જે બાદ ચોરેલી બાઇક કડોદરા ખાતે મૂકી દીધી હતી
આરોપી આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ મધુસિંગ ઉર્ફે બાદલસીંગ ટાંક (ચીકલીગર) તથા જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગ રાજેશસીંગ ભાદાની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, તેઓએ તા.24/10/2025 ના રોજ રાત્રીના તેમના સાગરીતો સાથે મળી પાલોદ અને પીપોદરા ખાતેથી બે બાઇકો ચોરી કરી હતી અને બાઇકો ઉપર તમામ ઇસમો રાત્રીના સુરત શહેર ઉત્રાણ મોટા વરાછા પ્રભુનગર સોસાયટીમા અલગ અલગ ચાર મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા નજીકમાં આવેલ હંસ સોસાયટીમાથી એક મકાનનુ તાળુ તોડી ઘરમા પ્રવેશ કરી કબાટનુ તાળુ તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી નાશી ગયા હતા અને જયાથી બાઈક ચોરી કરી હતી તે જગ્યાએ બાઇક પરત મુકી દીધી હોવાની કબુલાત કરી હતી.
વાહનો ચોરી કરી ઘરફોડ ચોરી કરતા અને બાદમાં ચોરી કરેલા વાહનો પરત તે જગ્યાએ મૂકી દેતા
પોલીસ તપાસમાં 12 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબજો ઉત્રાણ અને અમરોલી પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા સીકલીગર ગેંગના તેમના સાગરીતો સાથે રાત્રીના સમયે એક જગ્યાએ ભેગા થઈને અલગ અલગ જગ્યાએથી વાહન ચોરી કરતા હતા અને મોડી રાત્રીના સમયે વોચ કરી બંધ મકાનના દરવાજાનું તાળું પાના પેચીયા વડે તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ઘરફોડ ચોરી કરતા હતા અને બાદમાં ચોરી કરેલા વાહનો જે તે જગ્યાએ પરત મૂકી ત્યાંથી પોતાના વાહનો લઈને પરત ચાલી જતા હતા.
ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પોલીસે ઝડપાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે જેમાં આઝાદસીંગ ઉર્ફે ધનરીસીંગ મધુસિંગ ઉર્ફે બાદલસીંગ ટાંક (ચીકલીગર) વિરુદ્ધ અગાઉં ૧૨ ગુના, અજયસીંગ ઉર્ફે મામુ ભુરાસીંગ ઉર્ફે બલવંતસીંગ દુધાની (ચીકલીગર) સામે અગાઉ 11 ગુના, મલીન્દરસીંગ ઉર્ફે મલ્લુ રાજુસીંગ બાવરી ઉ.વ.૨૮ સામે ૮ જયારે જીતેન્દરસીંગ ઉર્ફે દીલજીતસીંગ રાજેશસીંગ ભાદા સામે 1 ગુનો અગાઉ નોંધાયેલો છે.
