Surat Suicide Case: સુરતના અલથાણ વિસ્તારમાં માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં એક અત્યંત કરુણ ઘટનામાં લૂમ્સના કારખાનેદારની પત્નીએ પોતાના બે વર્ષના પુત્ર સાથે કૂદીને આપઘાત કરી લીધો. આ ઘટના 3 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેમાં પૂજા પટેલ નામના પરિણીતાએ પહેલા પોતાના પુત્ર ક્રિશિવને 13મા માળેથી ફેંક્યો અને થોડી જ સેકન્ડોમાં પોતે પણ કૂદી ગઈ. આ દિલ હચમચાવી નાખે તેવી ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસને મૃતક પૂજાના કપડામાંથી એક લોહીથી ખરડાયેલી ચિઠ્ઠી મળી છે. આ ચિઠ્ઠી ભીની હોવાથી તેને સીધી રીતે ખોલવાને બદલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં તપાસ માટે મોકલવામાં આવી છે. પોલીસને આશા છે કે આ ચિઠ્ઠીનો રિપોર્ટ આવ્યા બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે.
બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સુરત સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, બાળક ક્રિશિવનું મૃત્યુ શરીર પર અનેક ગંભીર ઈજાઓ થવાને કારણે થયું હતું, જ્યારે પૂજાનું મૃત્યુ વધારે પડતું લોહી વહી જવાથી થયું હતું. આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પૂજાના પિયર અને સાસરી પક્ષ વચ્ચે ચિઠ્ઠીને લઈને ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. હાલમાં, કોઈ પણ પક્ષે કોઈ સીધો આક્ષેપ કર્યો નથી અને બધા FSL રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેનાથી આ રહસ્યમય કેસનું સત્ય બહાર આવી શકે.
આપઘાતનું પૂર્વ-નિયોજિત કાવતરું?
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પૂજા તેના પુત્રને લઈને કપડા સિલાઈ કરાવવા માટે નીકળી હતી. પરંતુ સૂત્રો મુજબ, જેમના ઘરે જવાનું હતું તેમનો દરવાજો બંધ હતો અને આસપાસ કોઈ નહોતું. આ પરિસ્થિતિનો લાભ લઈને પૂજાએ આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પૂજાના પતિ વિલેષ અને તેના લગ્ન 2018માં થયા હતા. લગ્ન પહેલા પૂજા શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી, પરંતુ લગ્નના બે વર્ષ પછી તેણે નોકરી છોડી દીધી હતી. હાલ પોલીસ પૂજાના પરિવારના સભ્યોના નિવેદનો અને તેના મોબાઈલ ડેટાની તપાસ કરી રહી છે જેથી આ આત્મઘાતી પગલા પાછળનું સાચું કારણ જાણી શકાય.