Surat News: મોટા વરાછામાં બેકાબૂ સ્કોર્પિયોએ ત્રણ મહિલાને મારી ટક્કર, એક મહિલાનું મોત; 19 વર્ષીય ચાલકની ધરપકડ

અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કાર ચાલકે કાર એક દિવસ માટે ભાડે લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 14 Apr 2026 12:11 PM (IST)Updated: Tue, 14 Apr 2026 12:11 PM (IST)
surat-mota-varachha-ring-road-accident-scorpio-hits-three-women
HIGHLIGHTS
  • મોટા વરાછા રિંગરોડ પર અકસ્માત
  • સ્કોર્પિયોએ મહિલાને મારી ટક્કરથી 
  • એક મહિલાનું કમકમાટીભર્યું મોત

Surat Hit and Run News: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મોટા વરાછા આઉટર રિંગરોડ પર પુરપાટ ઝડપે દોડતી એક સ્કોર્પિયો કારે પગપાળા જતી ત્રણ મહિલાઓને અડફેટે લીધી હતી. આ બનાવમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. બીજી તરફ, પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે.

નાસ્તો લેવા નીકળી બહેનપણીઓ

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની અન્ય બે બહેનપણી હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા ખાતે આવેલા આસ્થા ફાર્મમાં લગ્નપ્રસંગે કેટરિંગના કામ માટે ગયા હતા. રવિવારે સાંજના સમયે આ ત્રણેય મહિલાઓ પગપાળા નાસ્તો લેવા નીકળ્યા હતા.

સ્કોર્પિયો ચાલકે મારી જોરદાર ટક્કર

તે જ સમયે પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે હરિહર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પાસે ત્રણેય મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાઓને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો કાર રસ્તા પર ફંગોળાઈને બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટીનુબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાનો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો હતો.

naidunia_image

47 વર્ષીય મહિલા કાળનો કોળિયો બની

મૃતક ટીનુબેન માટે આ ઘટના અત્યંત કરૂણ છે, કારણ કે તેમના પતિનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારમાં હવે માત્ર એક પુત્ર અને એક પુત્રી બચ્યા છે. તેમનો પુત્ર ખેત મજૂરી કરીને ઘર ચલાવવામાં મદદરૂપ થાય છે. અચાનક માતાની છત્રછાયા ગુમાવતા આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ભાડાની કારમાં મિત્રો સાથે ફરવા નીકળ્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારનો ચાલક 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા છે, જે ઓનલાઈન કોસ્મેટિકનો વેપાર કરે છે. રોશને પોતાના ચાર મિત્રો (જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયા) સાથે રવિવારે આ સ્કોર્પિયો કાર એક દિવસ માટે ભાડે લીધી હતી.

આરોપી કાર ચાલક રોશનની અટકાયત  

દિવસભર ફર્યા બાદ સાંજે રિંગરોડ પર કાર ચલાવતી વખતે તેને અકસ્માત સર્જ્યો હતો. જેમાં અન્ય મિત્રોનો બચાવ થયો હતો, પરંતુ કાર ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે ગુનો નોંધી આરોપી કાર ચાલક રોશનની અટકાયત કરી છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.