Surat : સચિન પોલીસ મથકમાં આરોપીએ એસિડ પીધું, તપાસ દરમ્યાન બાથરૂમમાં જઈ પગલું ભર્યું, આરોપી સામે અગાઉ 15 ગુના નોંધાયેલા

સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં એક ગંભીર ઘટના બની છે, જ્યાં વાહન ચોરીના કેસમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા 65 વર્ષીય વૃદ્ધ આરોપીએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત થયું

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 13 Apr 2026 03:30 PM (IST)Updated: Mon, 13 Apr 2026 03:30 PM (IST)
surat-news-sachin-police-station-custodial-death-accused-acid-suicide

Surat News: સુરત શહેરમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. વાહન ચોરીના ગુનામાં તપાસ માટે લાવવામાં આવેલા 65 વર્ષીય વૃદ્ધે પોલીસ સ્ટેશનમાં એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું.

ઘટનાની વિગત:

મળતી માહિતી મુજબ, મૃતક સૈયદ બદરૂદીનને વાહન ચોરીના કેસમાં તપાસ માટે ગોધરાથી સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. સચિન પોલીસ મથકમાં આરોપી સૈયદ બદરૂદીનની ધરપકડ કરવામાં આવી રહી હતી. આરોપી વિરૂદ્ધ 15થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાને કારણે પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ દરમિયાન ગત રોજ તેણે કુદરતી હાજતે જવાનું જણાવ્યું હતું. આ દરમિયાન શૌચાલયમાં રાખવામાં આવેલું એસિડ ગટગટાવી જતા તેની આરોપીની તબિયત લથડી હતી. પોલીસે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો.પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થતા ચકચાર મચી ગઈ છે.

વાહનચોરી કેસમાં આરોપી ઝડપાયો

આરોપીની મોતને લઈને ACP નીરવ ગોહિલ દ્વારા જણાવ્યા મુજબ, ગત તારીખ 11-2-2026ના રોજ સચિન પોલીસ મથકમાં ફોર વ્હીલ વાહન ચોરી બાબતે એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમ્યાન કેટલાક પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલો ઇસમ સૈયદ બદરુદ્દીનભાઈ જણાઈ આવ્યું હતું. માહિતી મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ગઈ હતી. જ્યાંથી સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપીને સચિન પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો. આ બાબતની જાણ જે તે વખતે એમના સગા સબંધીઓને કરી હતી,

બાથરુમ જવાના બહાને ભર્યું પગલું

તપાસ દરમ્યાન આરોપીની પૂછપરછ થતી હતી, ત્યારે તેને કુદરતી હાજતે જવાનું છે. એમ કહી પોલીસ સ્ટેશનના બાથરૂમાં જઈને ટોઈલેટ સાફ કરવાનું પ્રવાહી કોઈ કારણોસર ગટગટાવી લીધું હતું.જેથી આરોપીને પેટમાં દુખાવો અને ઉબકા આવ્યાની જાણ પોલીસને થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. વધુ સારવાર માટે બીજી સારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને PM કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ 15 જેટલા અલગ અલગ ગુના અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયા છે.

આરોપીના સગાવ્હાલાને જાણ કરાઈ

ACP નીરવ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં તેમના સગા સબંધીઓને બોલાવી લેવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં સચિન પોલીસ મથકમાં પૂછપરછ ચાલુ હતી. પૂછપરછ દરમ્યાન કોઈ પણ મારઝૂડ કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો નથી. મૃતકની ઉંમર 65 વર્ષની હતી અને તેમની બાયપાસ સર્જરી પણ કરવામાં આવી હતી, તેવી પ્રાથમિક જાણકારી પણ મળી છે. પોલીસે ફક્ત પૂછપરછ કરી હતી. તેમણે કોઈ પણ કારણોસર બાથરૂમમાં જઈને આ પગલું ભરી લીધું હતું.