Surat News: દિવાળી અને છઠપૂજાના તહેવારો નજીક આવતાં જ સુરતમાં રોજગારી માટે વસતા પરપ્રાંતિય શ્રમિકોમાં વતન પરત ફરવાની દોડ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો એટલો વધી ગયો છે કે રેલવે દ્વારા ઊભો કરવામાં આવેલો વિશાળ હોલ્ડિંગ એરિયા પણ મુસાફરોથી છલકાઈ રહ્યો છે.
ઉધના સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ
આ પણ વાંચો
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ઉધના સ્ટેશન પર 15 હજારથી વધુ લોકો બેસી શકે તેવી વિશાળ હોલ્ડિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુસાફરોને તડકાથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં હાલની ભીડને કારણે આ જગ્યા પણ ઓછી પડી રહી છે.મળતી માહિતી મુજબ, ગત રાતથી લઈને આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ 15 હજારથી વધુ મુસાફરો ટ્રેનો મારફતે પોતાના વતન જવા રવાના થયા છે. સ્ટેશન પરિસરમાં ભારે ભીડને કારણે મુસાફરોને બેસવા માટે પણ પૂરતી જગ્યા મળી રહી નથી.

શ્રમિકોના ઘસારાથી હોલ્ડિંગ એરિયા હાઉસફુલ
વતન પહોંચવાની ઉતાવળમાં શ્રમિકો નિર્ધારિત ટ્રેનના સમય કરતાં 5થી 10 કલાક પહેલાં જ ઉધના સ્ટેશન પર પહોંચી રહ્યા છે. પરિણામે હોલ્ડિંગ એરિયામાં સતત ભીડ વધી રહી છે. લાંબી મુસાફરી માટે સામાન સાથે આવેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને કલાકો સુધી ઊભા રહીને ટ્રેનની રાહ જોવી પડી રહી છે.
7 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ
તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવર સરળ બનાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત રાતથી આજના દિવસ દરમિયાન કુલ 10 ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. તેમાં 3 નિયમિત ટ્રેનો ઉપરાંત 7 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ પૈકી અત્યાર સુધીમાં 5 ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ મુસાફરોને લઈને રવાના થઈ ચૂકી છે. બીજી તરફ, સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આરપીએફ તથા સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

2.5થી 3 લાખ શ્રમિકો સુરત છોડે તેવી શક્યતા
સુરતથી પરપ્રાંતિય શ્રમિકોની વતન વાપસીનો આંકડો પણ નોંધપાત્ર રહ્યો છે. સત્તાવાર અંદાજ પ્રમાણે, પહેલી ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી 4 લાખથી વધુ મુસાફરો પોતાના વતન જવા નીકળી ચૂક્યા છે.આગામી દિવસોમાં દિવાળીના વાઘબારસ અને અગિયારસથી લઈને છઠપૂજા સુધીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધુ 2.5થી 3 લાખ શ્રમિકો સુરત છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરે છે. તહેવારો નિમિત્તે આ શ્રમિકો વતન પરત ફરી રહ્યા હોવાથી આગામી એક સપ્તાહ દરમિયાન શહેરના અનેક ઔદ્યોગિક વિસ્તારો સુમસામ નજરે પડશે.
