Surat News: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતાં જ સુરતમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોએ વતન તરફ પ્રયાણ શરૂ કર્યું છે. તહેવારોમાં પોતાના પરિવાર સાથે વતન જવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો અને મુસાફરોની અવરજવર માટે કરાયેલી વ્યવસ્થાના કારણે ગત રાતથી રવિવાર સવાર સુધીમાં અંદાજે 12થી 13 હજાર મુસાફરોને બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ તરફ રવાના થયા હતા.
ઉધના સ્ટેશન પર મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા
આ પણ વાંચો
તહેવારો દરમિયાન વધતી ભીડને પહોંચી વળવા ઉધના રેલવે સ્ટેશન પર માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર પંકજસિંહના જણાવ્યા અનુસાર, સ્ટેશન પર અગાઉ ઉપલબ્ધ ન રહેલું પ્લેટફોર્મ નંબર 6 છેલ્લા એક વર્ષ દરમિયાન છત સહિતના હાઈ-લેવલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
આ સુવિધાથી સ્ટેશનના પૂર્વ છેડે ટ્રેનોનું સંચાલન વધુ સરળ બન્યું છે. આ ઉપરાંત, મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે વિશાળ હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. અહીં મુસાફરોને બેસવાની સાથે પંખા, પીવાનું પાણી, વીજળી અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાતથી સવાર સુધી વિશેષ ટ્રેનોનું સંચાલન
24 ઑક્ટોબરની રાતથી મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવા માટે વિવિધ ટ્રેનો દોડાવવામાં આવી હતી. મળેલી વિગતો મુજબ, રાત્રે 11:30 વાગ્યે હસનપુર, રાત્રે 1:30 વાગ્યે મધુબની, સવારે 5:30 વાગ્યે જયનગર જતી ટ્રેનો ઉપરાંત સવારે 8:30 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ અને 10:30 વાગ્યે તાપ્તીગંગા એક્સપ્રેસ રવાના થઈ હતી.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર, રેલવે પ્રશાસનના સચોટ સંચાલનને લીધે અંત્યોદય અને તાપ્તીગંગા ટ્રેનમાં કોઈ ધક્કામુક્કી જોવા મળી નહોતી અને મુસાફરો આરામથી સૂતા-સૂતા સફર કરી શકે તેટલી જગ્યા ઉપલબ્ધ રહી હતી. ત્યારબાદ તાપ્તી ગંગા ટ્રેન રવાના થતાંની સાથે જ સ્ટેશન પર પહોંચેલા તમામ મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને નીકળી ચૂક્યા હતા.
તહેવારી સિઝનમાં 250 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનું આયોજન
પશ્ચિમ રેલવે દ્વારા 1 ઑક્ટોબરથી 15 નવેમ્બર સુધીના તહેવારી સમયગાળા દરમિયાન અંદાજે 250 સ્પેશીયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, દરેક ટ્રેનમાં અંદાજે 2,500થી 3,000 મુસાફરોને લઈ જવાની ક્ષમતા મુજબ મોટી સંખ્યામાં લોકોને વતન પહોંચાડવાનું આયોજન છે.
ઉધના ઉપરાંત મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, દાદર અને વલસાડ સ્ટેશન પરથી પણ વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉધના સ્ટેશન પર ભીડ નિયંત્રણમાં આવતાં જરૂરિયાત મુજબ ઉપયોગમાં લઈ શકાય તેવી વધારાની ટ્રેનોને આગામી દિવસો માટે તૈયાર રાખવામાં આવી છે.
સુરક્ષા માટે RPF-GRPના જવાનો તૈનાત
મુસાફરોની અવરજવર વ્યવસ્થિત રહે અને પ્લેટફોર્મ પર ધક્કામુક્કી ન થાય તે માટે જનરલ ટિકિટ ધરાવતા મુસાફરોને પહેલાં હોલ્ડિંગ એરિયામાં રાખવામાં આવે છે. ત્યારબાદ તબક્કાવાર તેમને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે છે. વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM), સિનિયર DCM, ACM અને ARM સહિતના અધિકારીઓ સ્ટેશન પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે RPF અને GRPના આશરે 100 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મુસાફરોને ટિકિટ સંબંધિત સુવિધા મળી રહે તે માટે 25 ટિકિટ ચેકિંગ કર્મચારીઓ અને 13 બુકિંગ કાઉન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.આ ઉપરાંત, કોઈ મુસાફરને અચાનક તબીબી સારવારની જરૂર પડે તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે મેડિકલ ટીમને પણ સ્ટેશન પર તૈનાત રાખવામાં આવી છે.
