Smart Water Hub: રેલવે મુસાફરોની સફર હવે વધુ આરામદાયક અને હાઈટેક બનવા જઈ રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ અને આધુનિક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર દેશના પ્રથમ ‘સ્માર્ટ વોટર હબ’ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટેશન પરના જૂના અને પરંપરાગત વોટર સ્ટોલને આધુનિક મલ્ટી-પર્પઝ સર્વિસ સેન્ટરમાં ફેરવવાનો છે.
માત્ર 30 ચોરસ ફૂટમાં અનેક સુવિધાઓ
આ સ્માર્ટ વોટર હબની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઈન છે. માત્ર 30 ચોરસ ફૂટ જેટલી નાની જગ્યામાં મુસાફરોને જરૂરિયાતની તમામ વસ્તુઓ એકસાથે મળી રહેશે. રેલવેના આ હબમાં ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી નીચે મુજબની સુવિધાઓ પ્રાપ્ત થશે:
શુદ્ધ પાણી: મુસાફરોને યોગ્ય TDS લેવલ સાથેનું ફિલ્ટર કરેલું ઠંડુ અને ગરમ પીવાનું પાણી મળશે.
મોબાઈલ ચાર્જિંગ: લાંબી મુસાફરી કરતા મુસાફરો માટે સ્ટેશન પર સુરક્ષિત અને ઝડપી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ ઉપલબ્ધ રહેશે.
ખાણી-પીણી અને જીવનજરૂરી સામાન: અહીં રેલવે માન્ય સ્નેક્સ, પીણાં અને હાઈજીન પ્રોડક્ટ્સ જેવી જીવનજરૂરી વસ્તુઓ પણ મળી રહેશે.
QR પેમેન્ટ: સમગ્ર સિસ્ટમ કેશલેસ હશે, જેમાં QR કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટની સુવિધા મળશે.
રેલવે માટે આવકનો નવો સ્ત્રોત
આ હબ માત્ર મુસાફરો માટે જ નહીં, પણ રેલવેની આવક વધારવા માટે પણ પૂરક સાબિત થશે. હબ પર લગાવવામાં આવતી ડિજિટલ સ્ક્રીન્સ દ્વારા વિવિધ બ્રાન્ડ્સની જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવશે, જે રેલવે માટે વધારાની આવકનો સ્ત્રોત બનશે.
ટેન્ડર પ્રક્રિયા શરૂ
રેલવે પ્રશાસન દ્વારા આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રસ ધરાવતી કંપનીઓ અને એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. મળનારા પ્રસ્તાવના આધારે પ્રોજેક્ટની આગળની કામગીરી નક્કી કરવામાં આવશે. સુરત અને ઉધનામાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ, આગામી સમયમાં અન્ય મુખ્ય રેલવે સ્ટેશનો પર પણ આ પ્રકારના 'સ્માર્ટ વોટર હબ' જોવા મળી શકે છે.
