Surat: સુરત શહેર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુરતીઓ લાંબા સમયની આતુરતાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના એક મહત્વપૂર્ણ વિભાગ પર ઓપરેશનલ ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ ટ્રાયલ રન ડ્રીમ સિટી અને અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિલોમીટરના કોરિડોર પર શરૂ કરવામાં આવ્યો છે, જે સુરત ડાયમંડ બુર્સ સાથે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ ટ્રાયલ ફેઝ 500 કલાક માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ટ્રેનની ઝડપ, બ્રેકિંગ સિસ્ટમ અને અન્ય ટેકનિકલ માપદંડોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
આ અંગે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડાયરેક્ટર આનંદસિંહ બિસ્તે જણાવ્યું કે, ટ્રાયલ રૂટ પરના 7 સ્ટેશનોના નિર્માણનું કામ હાલ અંતિમ તબક્કામાં છે અને સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ મેટ્રો સેવા જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે.
હીરા ઉદ્યોગના 45,000 કારીગરોને થશે સીધો ફાયદો
સુરત ડાયમંડ બુર્સ સુધી મેટ્રો કનેક્ટિવિટી મળવાથી વરાછા, કતારગામ અને સરથાણા જેવા વિસ્તારોમાંથી દરરોજ મુસાફરી કરતા અંદાજે 40,000 થી 45,000 હીરાના કારીગરો અને વેપારીઓને મોટો ફાયદો થશે.
જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુરતના અધ્યક્ષ જયંતિ સવાલીયાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા ઘણી હદ સુધી હલ થશે. સ્થાનિક રહેવાસી રાજ પટેલ અને રોશન ચિમનાએ પણ આ પ્રોજેક્ટને સુરત માટે ગૌરવ સમાન ગણાવી ખુશી વ્યક્ત કરી હતી કે, હવે લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.
બે કોરિડોર અને 38 સ્ટેશનોનું નેટવર્ક
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ કુલ 40.35 કિલોમીટર લાંબો છે અને તેમાં કુલ 38 સ્ટેશનોનો સમાવેશ થાય છે:
- કોરિડોર-1 (ડાયમંડ કોરિડોર): આ કોરિડોર સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે, જેની લંબાઈ 21.6 કિલોમીટર છે. જેમાં 15 કિલોમીટર એલિવેટેડ અને 6.5 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટ્રેક છે. આ રૂટ પર 14 એલિવેટેડ અને 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.
- કોરિડોર-2 (ટેક્સટાઈલ કોરિડોર): આ કોરિડોર ભેસાણથી સારોલી સુધીનો છે, જેની લંબાઈ 18.7 કિલોમીટર છે અને તે સંપૂર્ણપણે એલિવેટેડ છે, જેમાં 18 સ્ટેશનો હશે.
આ પ્રોજેક્ટ માટે ડ્રીમ સિટી અને ભેસાણ ખાતે બે ડેપો વિકસાવવામાં આવી રહ્યા છે. સુરત મેટ્રો શહેરના પરિવહન માળખામાં ક્રાંતિ લાવશે અને હીરા તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસને નવી ગતિ આપશે તેવી અપેક્ષા છે.
