વડોદરામાં AAPને મોટો ફટકોઃ શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરે સહિત 40 કાર્યકરો ભાજપમાં જોડાયા

શીતલ ઉપાધ્યાય વડોદરામાં આમ આદમી પાર્ટીનો મજબૂત મહિલા ચહેરો અને તેજાબી પ્રવક્તા ગણાતા હતા. જ્યારે વિઠ્ઠલ આયરેની પાર્ટીના ગ્રાઉન્ડ લેવલના કાર્યકર હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 18 Apr 2026 03:13 PM (IST)Updated: Sat, 18 Apr 2026 03:13 PM (IST)
big-blow-to-aam-aadmi-party-in-vadodara-40-workers-including-shital-upadhyay-join-bjp
HIGHLIGHTS
  • સયાજીગંજ સ્થિ કમલમમાં તમામને ભગવો ખેસ પહેરાવી આવકારાયા

Vadodara: ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપે ફરી એકવાર વિરોધ પક્ષોના ગઢમાં ગાબડું પાડવાની પોતાની રણનીતિ તેજ કરી છે. સંસ્કારી નગરી વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. 'આપ'ના મજબૂત ચહેરા ગણાતા પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને લડાયક નેતા વિઠ્ઠલ આયરે સહિત 40 જેટલા સક્રિય કાર્યકરોએ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.

વડોદરા ભાજપના કાર્યાલય 'સયાજીગંજ કમલમ' ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિમાં તમામ 40 કાર્યકરોને ભાજપનો ભગવો ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના અગ્રણીઓએ આ પ્રવેશને પક્ષની વિચારધારામાં લોકોના વધતા વિશ્વાસ તરીકે ગણાવ્યો હતો.

આ પક્ષ પલટામાં સૌથી ચોંકાવનારું નામ શીતલ ઉપાધ્યાયનું છે, જેઓ વડોદરામાં આમ આદમી પાર્ટીનો મજબૂત મહિલા ચહેરો અને ધારદાર પ્રવક્તા ગણાતા હતા. તેમની સાથે જ લોકપ્રશ્નો માટે સતત લડત ચલાવતા વિઠ્ઠલ આયરે પણ ભાજપમાં જોડાયા છે. વિઠ્ઠલ આયરેની ગણના ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોને એકઠા કરી આંદોલન કરનારા નેતા તરીકે થતી હતી. આ બંને દિગ્ગજ નેતાઓના જવાથી વડોદરામાં 'આપ'નું સંગઠન નોંધપાત્ર રીતે નબળું પડ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

ભાજપમાં જોડાયા બાદ આગેવાનોએ જણાવ્યું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો અને ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ રહ્યા છે. પક્ષમાં આંતરિક અસંતોષ અથવા કામ કરવાની પદ્ધતિ સામેના પ્રશ્નોને પણ આ પક્ષ પલટા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પોતાની પકડ મજબૂત કરવા મથી રહેલી આમ આદમી પાર્ટી માટે એકસાથે 40 કાર્યકરોનું જવું એ મોટા નુકસાન સમાન છે. ખાસ કરીને જ્યારે પ્રવક્તા કક્ષાના નેતાઓ પક્ષ છોડે, ત્યારે તે કાર્યકરોના મનોબળ પર વિપરીત અસર કરે છે. આગામી સમયમાં આ ફેરફારની અસર વડોદરાના રાજકારણ પર કેવી પડશે તે જોવું રસપ્રદ રહેશે.