Surat Civil Hospital: નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને વધુ સારી, સુલભ અને ઝડપી તબીબી સેવાઓ મળી રહે તેવા હેતુથી નવી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ કેટલીક તબીબી સુવિધાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ વિગતો આપતાં જણાવ્યું કે, આ આયોજનથી દર્દીઓને એક જ સ્થળે જરૂરી તપાસની સુવિધા ઉપલબ્ધ બનશે અને બિનજરૂરી અવરજવરથી મુક્તિ મળશે.
હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ENT-OPD ની બાજુમાં ઓડિયોમેટ્રી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે ઓડિયોલોજિસ્ટટેક્નિશિયનની પણ નિમણૂક કરવામાં આવી છે. આ સુવિધાથી સાંભળવાની ક્ષમતા સંબંધિત વિવિધ પ્રકારની ખામીઓનું નિદાન હોસ્પિટલ ખાતે જ થઈ શકશે. સાથે જ અપંગતા પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી તપાસની સુવિધા પણ ઉપલબ્ધ થતા દર્દીઓને નવી સુવિધા ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો
જુના ટ્રોમા સેન્ટર (ડેન્ટલ OPD બિલ્ડિંગ) ખાતે OPG (દાંતનો પેનોરેમિક એક્સ-રે) મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં નવા એક્સ-રે મશીન પણ મૂકવામાં આવ્યા છે. જેના પરિણામે ડેન્ટલ, સર્જરી, પલ્મોનરી OPD સહિત અન્ય વિભાગોના દર્દીઓને એક્સ-રે અને જરૂરી તપાસ માટે અન્ય બિલ્ડિંગમાં જવું નહીં પડે. એક જ સ્થળે તપાસની સુવિધા મળવાથી દર્દીઓનો સમય બચશે અને સારવાર પ્રક્રિયા વધુ સરળ બનશે.
આ તમામ સુવિધાઓના સુચારુ આયોજન અને અમલીકરણમાં RMO ડો. લક્ષ્મણ તાહિલિયાણી, ENT વિભાગના વડા ડો. ઉર્વશીબેન પટેલ, રેડિયોલોજી વિભાગના વડા ડો. હેનલભાઈ ભગત, સ્ટેમ સેલ બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. આર.ડી. બર્મન, જુના ટ્રોમા બિલ્ડિંગના નોડલ ઓફિસર ડો. સુમિત જગાણી ઓડિયોલોજીસ્ટ પ્રતિક મિશ્રા તથા નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નિરજા પટેલ દ્વારા સંકલન અને સહયોગ આપવામાં આવ્યો છે.
