વ્યારા: કાનપુરના યુવક-યુવતીને લાગ્યો કરંટ; સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Nov 2026 05:30 PM (IST)Updated: Thu, 05 Nov 2026 05:30 PM (IST)
vyara-kanpura-youth-dies-of-electric-shock-in-surat-civil-hospital-tapi-news

Tapi Accident News: તાપી જિલ્લાના વ્યારા સ્થિત કાનપુરા વિસ્તારમાં આવેલા પંચવટી નગરમાં તહેવાર નિમિત્તે ઘરમાં લાઈટસીરિઝલગાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. વાયર મેઈન લાઈનના સંપર્કમાં આવી જતાં જોરદાર શોર્ટ સર્કિટ થવાની હોનારત સામે આવી છે. આ દુર્ઘટનામાં લાઈટની સીરિઝ લગાવી રહેલો યુવક અને ઘરની યુવતી બંને વીજપ્રવાહની ઝપેટમાં આવી જતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ટૂંકી સમયગાળામાં તેમણે દમ તોડી દીધો હતો. આ કરૂણ બનાવ અંગે વ્યારા પોલીસ મથકે સત્તાવાર રીતે જાણવા જોગ નોંધ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગત 2 નવેમ્બર 2026 ના રાત્રે આશરે 8:30 વાગ્યે પંચવટી નગર ખાતે રહેતા જિનલબેન સંદિપભાઈ ટંડેલના ઘરે તહેવાર નિમિત્તે લાઈટની સીરિઝ લગાડવાનું કામ ચાલી રહ્યું હતું. કાનપુરાના જ વતની 29 વર્ષીય ગૌતમભાઈ ગામીત લાઈટની સીરીઝ લગાવી રહ્યા હતા. આ દરમિયાન વાયર મેઈન લાઈન સાથે જોડાઈ જતાં જોરદાર શોર્ટ સર્કિટ થયું હતું.

શોર્ટ સર્કિટ થતા જ ગૌતમભાઈ ગામીત અને જિનલબેન ટંડેલ બંને વીજપ્રવાહની ચપેટમાં આવી ગયા અને શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. આ શોર્ટ સર્કિટની તીવ્રતા અત્યંત વધુ હોવાથી ગૌતમભાઈને શરીરે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે સંદિપભાઈ ગોવિંદભાઈ ટંડેલ દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જેના આધારે વ્યારા પોલીસે 4 નવેમ્બર 2026 ના રોજ સત્તાવાર જાણવા જોગ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે ASI ભાવેશભાઈ દ્વારા દુર્ઘટનાના કારણો અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.