સુરતના લૂંટ વિથ મર્ડર: માંડવીના ગોદાવાડીમાં યુવતીની નિર્મમ હત્યા, આરોપી પકડાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાનો પરિવારનો ઇનકાર

ગોદાવાડીમાં 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટની ઘટના બાદ પરિવારનો આક્રોશ. આરોપી પકડાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર, પોલીસની 8 ટીમો તપાસમાં જોડાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 02:36 PM (IST)Updated: Wed, 26 Aug 2026 02:36 PM (IST)
surat-mandvi-godavadi-nidhi-patel-murder-robbery-case-family-demands-justice

Surat Loot With Murder: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે. અહી રહેતી 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી હતી. દીકરીના માતા પિતા ધાર્મિક યાત્રાએ ગયા હતા ત્યારે ઘરે દીકરી એકલી હતી, ત્યારે આ ઘટના બની હતી. આ મામલે દીકરીના પરિવારજનોએ આરોપી પકડાય નહી ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ પોલીસે 70 પોલીસ કર્મીઓની અલગ અલગ 8 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

પરિવારને ઘરમાંથી દીકરીનો મૃતદેહ મળ્યો

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે વાસુદેવભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. તેઓ પત્ની સાથે ધાર્મિક યાત્રાએ ગયા હતા ત્યારે તેમની 25 વર્ષીય દીકરી ઘરે એકલી હતી. વાસુદેવ ભાઈ જયારે ઘરે પરત આવ્યા ત્યારે દીકરીનો મૃતદેહ મળી આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા. તેમની દીકરી નિધિ કુમારીનો મૃતદેહ દાદરના કેબીનના પાછળના ભાગેથી મળી આવ્યો હતો.

દીકરીના માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી ગળાના ભાગે ચાર્જીંગ કેબલનો વાયર બંધી તેમજ તેના હાથે પટ્ટી બાંધેલી મળી આવી હતી. આ ઉપરાંત ઘરમાંથી રોકડા એન દાગીના મળી અઢી લાખની મત્તાની લૂંટ થઇ હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસની ટીમો ત્યાં પહોચી હતી અને આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસે ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહીતની 8 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે.

દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કારનો ઇન્કાર

બીજી તરફ મૃતક દીકરીના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. મૃતક નિધિના પિતા વાસુદેવભાઈ પટેલએ જણાવ્યું હતું કે, અમે આબુ-અંબાજી અને ડાકોર ગયા હતા, ત્રણ નાઈટ અને બે દિવસ રોકાયા હતા.

જે બાદ રાતે 3 થી 4ના ગાળામાં ઘરે પરત આવ્યા હતા ઘરે આવીને એક-બે બેલ માર્યા હતા પરંતુ દીકરીએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો અમને એમ કે દીકરી કદાચ સુઈ ગઇ હશે એટલે અમે તેના મોબાઈલ પર ફોન કર્યો. પરંતુ ફોન સ્વીચઓફ આવતો હતો, એટલે અમારા ઘરની બારીનો લોક બગડી ગયો છે એટલે અમે ત્યાં દોરી બંધી છે. એટલે દોરી કાપીને બારી ખોલી હતી.

દીકરી ઘરમાં આગળ જ સુઈ છે, ત્યાં દેખાય ન હતી અને પંખા અને લાઈટ ચાલુ હતી. એટલે હું ગભરાઈ ગયો હતો. મેં ઘરમાં તપાસ કરી હતી, ઘરનું પાછળનું બારણું આડું હતું, દીકરી ઘરમાં ન દેખાતા અમે ગભરાઈ ગયા હતા અને બધે તપાસ કરવા લાગ્યા હતા. નિધિની માતા ઉપર બેટરી લઈને ગયા ત્યાં ખૂણામાં દીકરીની હાથ અને મોઢું બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ઘરમાંથી લાખો રુપિયાના દાગીનાની ચોરી

વધુમાં જણાવ્યું હતું કે ઘરમાંથી રોકડ અને ચેઈન, વીટી, સંકળા સહિતના દાગીના લઇ ગયા હતા. દીકરી સાથે છેલ્લે 9.28 મિનિટે વાત થઈ હતી. તેણે ફોન કરીને પૂછ્યું હતું કે, પપ્પા ક્યારે આવવાના,અમે કહ્યું કે, અમે ડાકોરથી નીકળ્યા છીએ. એટલે તું સુઈ જજે અને અમે ઘરે આવીને બેલ મારીશું ત્યારે તું ઊઠજે એમ જણાવ્યું હતું. દીકરીના ભવિષ્યના સપના અંગે પિતાએ જણાવ્યું કે, તેણે એન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ઉપરાંત તે IELTS કરતી હતી. ત્યારબાદ વિઝા એપ્લાય કરવાની તૈયારી કરી હતી. તે પાંચેક મહિનાથી કેનેડા જવાની તૈયારી કરતી હતી. પરંતુ અમારી માંગ છે કે, અમારી દીકરીને વહેલી તકે ન્યાય જોઇએ. જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં. ત્યાં સુધી અમે દીકરીન અંતિમ સંસ્કાર કરવાના નથી.

આરોપીઓ સુધી પહોચવાનો તપાસનો ધમધમાટ

સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. આરોપીઓ સુધી પહોંચવા માટે તાત્કાલિક ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ સહીતની 8 ટીમો તપાસમાં જોડાઈ છે. ઉપરાંત FSLની સાથે ડોગ સ્કવોડ અને ફીંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની ટીમની મદદ લીધી છે.

અમે મૃતકના માતા-પિતા અને નજીકના સગા- સંબંધીઓ પાસેથી વધુ માહિતી મેળવીને આરોપી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. યુવતીની હત્યા મામલે પોલીસની અલગ અલગ ટીમો તપાસ કાર્યવાહીમાં જોડાઈ છે. દીકરીનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે, જેથી વધુ માહિતી મેળવી શકાય. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુની ચોક્કસ માહિતી મળી શકશે,

વધુમાં જણાવ્યું હતું કે, મકાનનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. દીકરીના માતા પિતા આવીને આગળનો દરવાજો ખખડાવ્યો. પરંતુ યુવતીએ દરવાજો ખોલ્યો નહીં. મકાનના પાછળના ભાગે વાડી જેવું છે. તેઓ ત્યાં ગયા પછી ખબર પડી કે, ઘરનો દરવાજો ખુલ્લો છે, એટલે પાછળના દરવાજેથી આરોપીઓ અંદર આવ્યા હોય તેવી આશંકા છે, હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ અને આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.