સુરતમાં ટેન્કરમાંથી ગેસ રિફલીંગ કરી એલપીજી ગેસના બાટલા ભરતા 9 ઇસમો ઝડપાયા, 56.69 લાખનો મુદામાલ જપ્ત

પોલીસની ટીમને બાતમી મળી હતી કે ભેસાણ હજીરા હાઈવે રોડ ઉપર આવેલા દીપિકા માર્બલની બાજુમાં આવેલા રિલાઈન્સના ગોડાઉનમાં પાર્કિંગની જગ્યામાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે અન્ય બાટલામાં ગેસ રિફલીંગ કેટલાક ઈસમો કરી રહ્યા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 05:37 PM (IST)Updated: Sun, 20 Sep 2026 05:37 PM (IST)
surat-lpg-refilling-case-9-persons-arrested-for-illegal-gas-refilling

Surat News: ટેન્કરમાંથી ગેસ રિફલીંગ કરી એલપીજી ગેસના બાટલા ભરતા 9 ઇસમોને પાલ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ટેન્કર, ફોરવ્હીલ અને ગેસ બાટલા સહીત કુલ 56.69 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પાલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે ભેસાણ હજીરા હાઈવે રોડ ઉપર આવેલા દીપિકા માર્બલની બાજુમાં આવેલા રિલાઈન્સના ગોડાઉનમાં પાર્કિંગની જગ્યામાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે અન્ય બાટલામાં ગેસ રિફલીંગ કેટલાક ઈસમો કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને એક ગેસના ટેન્કરમાંથી ગેસ કાઢી અન્ય બાટલાઓમાં ભરતા 9 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. રેડ દરમ્યાન પોલીસે કાર, ટેન્કર,મોબાઈલ અને રોકડા રૂપિયા તેમજ ગેસના બાટલાઓ સહીત કુલ 56,69,240 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા 9 ઈસમો સામે પાલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં ગેસનું કામ કરતા, ટ્રક ડ્રાઈવર અને વોચમેનનો સમાવેશ થાય છે. આરોપીઓ દ્વારા અત્યંત જ્વલનશીલ એવા એલપીજી ગેસને અનધિકૃત રીતે પાઈપ અને કટર જેવા જોખમી સાધનોનો ઉપયોગ કરીને નાના સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો. આ પ્રકારનું ગેરકાયદે રિફિલિંગ ખુલ્લા વિસ્તારમાં સામાન્ય સાવચેતી વગર કરવામાં આવતું હોવાથી તેમાં કોઈપણ સમયે ભયંકર આગ કે વિસ્ફોટ થવાની શક્યતા હતી.

કોણ પકડાયું

  • પવનસિંગ અતુલસિંગ ગુજ્જર
  • સુરેશભાઈ કાલુરામ બોરીવાલા
  • મહેશભાઈ ગોવિંદભાઈ જંજવાડીયા
  • પંકજસિંગ ધીરેનસિંગ ઠાકુર
  • દેવાસિંગ મેવાલાલ સિંગ
  • સુભાષસિંગ જગદીશસિંગ રાજપૂત
  • વિશાલભાઈ છનુભાઈ ભાભોર
  • દીપક રમેશભાઈ ભાભોર
  • લક્ષ્મણસિંગ દેવીસીંગ રાવત

ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર પવન સિંહ ગુર્જર છે, જે હજીરા ખાતે એચપીસીએલ (HPCL) કંપનીમાં કામ કરે છે. તે તેના પકડાયેલા સાગરીતો સાથે મળી ટેન્કરમાંથી ગેસ ચોરી કરતો હતો. આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.