Surat News: સુરતમાં લિંબાયત પોલીસને એક રીઢા ચોરને ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. હત્યા, ઘરફોડ ચોરી જેવા 102 ગુના આચરેલા રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 15 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના કબજે કર્યા છે અને પોલીસ તપાસમાં ઘરફોડ ચોરીના 5 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.
આરોપી પાસેથી 15 લાખનો મુદ્દામાલ જપ્ત
મળતી માહિતી મુજબ, લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ વર્ક આઉટમાં હતી. દરમ્યાન પોલીસે 120 જેટલા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને નીલગીરી સર્કલ ખુલ્લા ગ્રાઉન્ડ ખાતેથી એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 116.97 ગ્રામ સોનાના ઘરેણાં તેમજ 247.460 ગ્રામ ચાંદીના ઘરેણાં મળી કુલ 15 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આરોપી સામે 100 ગુનાઓ ખુલ્યા
શરૂઆતમાં આરોપીએ પોતાનું નામ કિરણ ચુનીલાલ મોરેકર અને તે મધ્યપ્રદેશનો વતની હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસને શંકાસ્પદ લાગતા તેનો ફોટો પાડીને ફેસ મેચ એપમાં ચેક કરતા તેનું સાચું નામ નિલેશ અંકુશ કાલે હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ICJS પોર્ટલમાં તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા તે હત્યા, ઘરફોડ ચોરી અને મારામારી જેવા આશરે 100 જેટલા ગુનાઓ મળી આવ્યા હતા.
10 દિવસ પહેલા કરી હતી ચોરી
પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આજથી આશરે દસેક દિવસ પહેલા લિંબાયત ડુંભાલ ફાયર સ્ટેશન પાછળ આવેલા સરકારી કવાટર્સ ખાતે સીણી, વાંદરી પાનું, પેચ્યુ સાધનો વડે મેઇન દરવાજાનું લોક તોડી ઘરમાં રહેલા કબાટનું લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ ઉપરાંત આશરે બે મહિના પહેલા સુરતના ઉધના ખાતે આવેલી સમિતિ સ્કુલની બાજુમાં અક્ષયકુંજ સોસાયટીમાં આવેલા મકાનનો દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
કુલ 5 ગુનાનો ભેદ ઉકેલાયો
મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર ખાતે ચીચપાડા રોડ પર આવેલી કીર્તિમાન સોસાયટીમાં એક મકાનમાં ચોરી કરી હતી તેમજ મહારાષ્ટ્ર રાજ્યના પુણે શહેર ખાતે આવેલી તિરુપતિ સોસાયટી અને પુણે શહેર ખાતે આવેલી સંતોષ નગર વિશ્રાંત વાડી ખાતે આવેલા એક ફ્લોટમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં લીંબાયત, ઉધના અને મહારાષ્ટ્રના કોલસેવાડી, વિશ્રાંત વાડી પોલીસ સ્ટેશન મળી કુલ 5 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા 20 વર્ષથી હત્યા, ઘરફોડ ચોરી તથા મારામારી જેવા 102 ગુના આચરેલા છે અને આરોપી ખુબ જ રીઢો અને શાતીર ચોર છે. તે ઘરફોડ ચોરી કરવાના દિવસ પહેલા આશરે 5 થી 7 કિલોમીટર સુધી ચાલતા ચાલતા વિસ્તારની રેકી કરતો હતો અને બપોરના સમયે બંધ મકાનને ટાર્ગેટ કરતો હતો અને શીણી, વાંદરી પાનું તથા પેચ્યા વડે મકાનના દરવાજાનો તથા લોકર તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતો હતો અને ત્યારબાદ પોલીસને ગુમરાહ કરવા માટે ફરીવાર આશરે 5 થી 7 કિલોમીટર સુધી ચાલતા ચાલતા અને અલગ અલગ ઓટો રીક્ષા ચેન્જ કરતો હતો.
પોલીસ પકડે નહીં માટે શું કરતો
વધુમાં આરોપીને પોલીસ શોધી ન શકે તે માટે આરોપી અવાવરું ખુલ્લી જગ્યામાં સુઈ જતો અને ગુનાને અંજામ આપી ટ્રેન મારફતે પોતાના વતન ખાતે જઈ જંગલમાં વસવાત કરવા લાગતો હતો અને થોડાક દિવસો બાદ ફરી વાર અલગ અલગ રાજ્યોના શહેર વિસ્તારમાં જઈ ચાલતા ચાલતા રેકી કરી દિવસે ચોરી કરવાની ટેવ વાળો છે.
