Surat News: સુરત શહેરમાં હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. મોડી રાત સુધી ગરબા રમીને બેનો અને દીકરીઓ ઘરે પરત ફરતી હોય છે. ત્યારે અવાવરુ જગ્યાઓ પર કોઇ અનીચ્છનિય ઘટના ન બને તે હેતુથી અને લોકો જાગૃત થાય માટે લસકાણા પોલીસ દ્વારા એક વીડિયો બનાવ્યો છે. આ ડેમો વીડિયોમાં અવાવરુ જગ્યાએ ઉભેલા કપલ સાથે કેવી ઘટના બની શકે તે દર્શાવવામાં આવ્યું છે.
લસકાણા પોલીસે ડેમો વીડિયો બનાવ્યો
આ પણ વાંચો
સુરતની લસકાણા પોલીસે બનાવેલા ડેમો વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક યુવક અને યુવતી અવાવરુ જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરીને ઊભા રહીને વાતો કરતા હતા. ત્યારે બે બાઇક પર મોઢે રૂમાલ બાંધીને 4 લોકો ત્યાં આવે છે અને ચારેય ઇસમો યુવતી સાથે ઉભેલા યુવકને ભગાડી દે છે. બીજી તરફ યુવતી બચાવો બચાવોની બૂમો પાડે છે. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ચારેય શખ્સોને પકડીને પોલીસ વાનમાં બેસાડી દે છે.
પીઆઈએ લોકોને કરી ખાસ અપીલ
આ અંગે માહિતી આપતા લસકાણા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા માટે લસકાણા પોલીસની ટીમ દ્વારા એક ડેમો વીડિયો બનાવ્યો છે, જેમાં અવાવરુ જગ્યાએ કોઈ ઉભું હોય તો તેની સાથે શું મુશ્કેલીઓ થઈ શકે છે. લસકાણા વિસ્તારમાં આવા 14 રુટ્સની ઓળખાણ કરવામાં આવી છે.
જે અવાવરુ જગ્યાએ બિલકુલ અંધારું છે અને લાઇટ નથી, ત્યાં કોઈએ એકલા જવું નહીં, અને કપલમાં આવી જગ્યાએ જવું નહીં, અને આવી જગ્યાએ કોઈ જાય તો તેની સાથે શું બનાવ બની શકે છે તે જાગૃતિ માટે આ વીડિઓ બનાવીને જારી કરવામાં આવ્યો છે
લોકોને જાગૃત કરવાનો પોલીસનો પ્રયાસ
વધુમાં જણાવ્યું હતું કે લોકોને અપીલ છે કે નવરાત્રી દરમ્યાન રાત્રિના સમયે આવી કોઈ અવાવરુ જગ્યાએ જવું નહીં. કોઈ છોકરા છોકરીએ આવી અવાવરુ જગ્યાએ ફરવું નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસનો પ્રયાસ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીડિયોમાં જે દેખાય છે તે પોલીસની ટીમ છે, લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 14 રુટ આઇડેન્ટીફાય કર્યા છે તે રુટ પર સતત પેટ્રોલીંગ ચાલુ જ છે અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તરત પોલીસનો સંપર્ક કરવો.
