સુરતમાં હિટ એન્ડ રનઃ બાઇકે ટક્કર મારતા મનપામાં ફરજ બજાવતા યુવકનું મોત, પુત્રના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો

ડીંડોલીના ખરવાસા રોડ પર સ્થિત કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો શુભમ બિહડે સુરત મહાનગરપાલિકામાં પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 30 Mar 2026 11:24 AM (IST)Updated: Mon, 30 Mar 2026 11:24 AM (IST)
surat-hit-and-run-smc-employee-dies-after-being-hit-by-speeding-avenger-bike-in-dindoli

Surat News: સુરતના ડીંડોલી વિસ્તારમાં 29 માર્ચની મોડીરાત્રે માર્ગ અકસ્માતમાં સુરત મહાનગરપાલિકાના 32 વર્ષીય પટાવાળા શુભમ બિહડેનું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા એવેન્જર બાઇકચાલકે અડફેટે લેતા શુભમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાન પુત્રના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે ફરાર બાઇકચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ડીંડોલીના ખરવાસા રોડ પર સ્થિત કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો શુભમ બિહડે સુરત મહાનગરપાલિકામાં પટાવાળા તરીકે ફરજ બજાવી રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે પોતાનું કામ પતાવીને તે ઘરે પરત પરી રહ્યો હતો. એ સમયે પૂરપાટ ઝડપે આવતી એેવેન્જર બાઇકના ચાલકને કાબુ ગુમાવતા શુભમને ટક્કર મારી હતી. બાઇકની ટક્કર વાગતા શુભમ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. અકસ્માતના આ બનાવમાં તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ શુભમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ એવેન્જર્સ ચાલક ફરાર થઇ ગયો હતો. પુત્રના અકસ્માતની જાણ થતાં પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શુભમ પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય અને આધારસ્તંભ હતો. તેના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવ સ્થળે પહોચેલી ડીંડોલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અજાણ્યા એવેન્જર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી રહી છે, જેથી બાઇકના નંબર અને ચાલકની ઓળખ થઈ શકે.