Surat News: સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના પુત્ર સાથે એક આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જમીન દસ્તાવેજ માટે ઇ સ્ટેમ્પ ખરીદવાના બહાના હેઠળ દંપતીએ શ્રેયાંશ ધોળકિયા પાસેથી 76.44 લાખ લઈને મોટી ઠગાઈ આચરી છે. સરકાર માન્યતા પ્રાપ્ત સ્ટેમ્પ વેન્ડર દંપતીએ આ રકમને મોજશોખમાં ઉડાવી નાખતાં હવે મામલો સુરત ડીસીબી સાયબર ક્રાઈમમાં પહોચ્યો છે.
ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે મોટી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંશ ધોળકિયાએ આરોપી દંપતી સામે ગુનો દાખલ કર્યો છે. ઘટનાની વાત કરીએ તો, સુરતના પલસાણામાં ખરીદેલી જમીન માટે શ્રેયાંસ ધોળકિયાને 76,44,900ન ઈ સ્ટેમ્પની જરુરિયાત હતી. કતાર ગામની કંપનીના વકીલ મહર્ષિ લાયવાલા દ્વારા વર્ષ 2020થી આ વેન્ડર દંપતી પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતી હોવાથી શ્રેયાંસ ધોળકિયાએ આરોપી દંપતી ઉપર વિશ્વાસ મૂક્યો હતો.
દંપતીના ખાતામાં 76 લાખ ટ્રાન્સફર કર્યા
જમીનના ઈ-સ્ટેમ્પ પેપર માટે શ્રેયાંસ ધોળકિયાએ આરોપી દંપતીના ખાતામાં આરટીજીએસ દ્વારા 76.44 લાખની મોટી રકમ ડિસેમ્બર 2025ના રોજ ટ્રાન્સફર કરી આપી હતી. આરોપી દંપતીએ પૈસા મેળવી લીધા બાદ પોતાનો અસલી રંગ બતાવવાનો શરુ કર્યો હતો. શ્રેયાંસ ધોળકિયા આરોપીઓ પાસેથી સ્ટેમ્પ પેપરની માંગણી કરતા હતા. પરંતુ આરોપી દંપતી દસ્તાવેજો આપતું નહોતું. આથી શ્રેયાંસ ધોળકિયાએ આરોપીઓ પાસેથી સ્ટેમ્પ પેપર આપે નહીં તો પૈસા પાછા આપે તેવું જણાવ્યું હતું.
દંપતી પૈસા મોજશોખમાં ઉડાવી નાખ્યા
જોકે દંપતીએ અવારનવાર વાયદાઓ આપીને દસ્તાવેજો આપવાનું ટાળ્યું હતું. લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં આરોપી દંપતી પાસેથી પૈસા કે દસ્તાવેજો ન મળતાં શ્રેયાંસ ધોળકિયાએ ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. આરોપીઓએ પૈસામાંથી બીજા લોકોને સ્ટેમ્પ ઇસ્યુ કરી નાખ્યા હતા. ઉપરાંત બાકી રહેલી રકમને આરોપીઓએ અંગત ખર્ચ અને મોજશોખમાં ઉડાવી દીધી હતી.
આરોપી સ્ટેમ્પ વેન્ડર દંપતી સામે ગુનો
શ્રેયાંસ ધોળકિયાએ પોતાના પૈસાની સતત માંગણી કરતાં આરોપીઓ તેમને 76.44 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ તે બાઉન્સ ગયો હતો. પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાંસદ પુત્રે સુરત પોલીસ કમિશનર સામે રજૂઆત કરી હતી. જે બાદ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સરકાર માન્ય સ્ટેમ્પ વેન્ડર રામકૃષ્ણ મેવાવાલા અને તેની પત્ની સલોની મેવાવાલા સામે બીએનએસની કલમો હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી છે.
