સુરતમાં એમ્બ્રોઈડરી સહિતના શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટ્યા: વીકલી ઓફ, 8 કલાક કામ અને PF-ગ્રેજ્યુઈટીની કરી ઉગ્ર માંગ

સુરતમાં એમ્બ્રોઈડરી સહિતના શ્રમિકો કલેક્ટર કચેરીએ ઉમટ્યા. વીકલી ઓફ, 8 કલાકની નોકરી, PF, ગ્રેજ્યુઈટી અને હક રજાની માંગ સાથે શ્રમિકોએ રજૂઆત કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 12 Sep 2026 02:47 PM (IST)Updated: Sat, 12 Sep 2026 02:47 PM (IST)
surat-embroidery-workers-collector-office-weekly-off-8-hours-work-pf-gratuity-demands

Surat Worker Protest: સુરત જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કારીગરો પોતાની માંગ સાથે પહોચ્યા હતા. કારીગરો દ્વારા વીકલી ઓફ, ગ્રેજયુટી, પીએફ સહિતના લાભો આપવા માંગ કરી હતી તેમજ કારીગરોની માંગ સ્વીકારવામાં આવે તેવી જિલ્લા કલેક્ટર સામે રજૂઆત કરી હતી.

સુરત કલેક્ટર કચેરીએ કારીગરોએ વિરોધ નોંધાવ્યો

શ્રમિક યુનિયનના અગ્રણીઓ દ્વારા અગાઉ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠ્વ્યું હતું. પરંતુ સમસ્યાનું સચોટ નિરાકરણ ન આવતાં આજરોજ મોટી સંખ્યામાં શ્રમિકોએ કચેરીએ આવ્યા હતા. એમ્બ્રોઈડરી સહિત વિવિધ ક્ષેત્રના કારીગરોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કારીગરોની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો, અઠવાડિયામાં વીક ઓફ, 8 કલાકની નોકરીનો સમય, ગ્રેજ્યુઇટી અને પીએફ સહિતના લાભોની માંગ કરાઇ હતી.

માગણી સ્વીકારવામાં આવે તેવી માગ

સરકાર દ્વારા લાગુ કરાયેલા લેબર કાયદાનો કોઈ લાભ મળતો ન હોવાનો આક્ષેપ કારીગરોએ કર્યો હતો. કલેક્ટર દ્વારા કારીગરોની માગ સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જ્યારે બીજો શનિવાર હોવાથી કલેક્ટર સાથે મુલાકાત ન થતાં કારીગરો સોમવારે ફરીથી રજૂઆત કરશે. હાલ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ અલગ અલગ જીઆઇડીસીઓના વેપારીઓ અને લેબર અધિકારી સાથે બેઠક યોજવામાં આવી રહી છે.

પીએફ અને ગ્રેજ્યુઇટી આપવામાં આવે- મજૂર યુનિયનના પ્રતિનિધિ

મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજયભાઈ દુબેએ જણાવ્યું હતું કે, લેબર મિનિસ્ટ્રી અને સરકાર દ્વારા જે નવો લેબર કાયદો લાવવામાં આવ્યો તેનો અમલ કરવામાં આવતો નથી, કોઈ પણ કામદારોને અઠવાડિયામાં એક રજા આપવામાં આવતી નથી, 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરાવવામાં આવે છે, તેમજ પીએફ, ગ્રેજયુઇટી, હક રજા આપવામાં આવતી નથી. આ મામલે સબંધિત વિભાગ દ્વારા ગંભીરતાથી લઈને આનું નિરાકરણ કરે. શ્રમિક આગેવાન અને અધિકારીઓની સમજાવટથી આખરે કારીગરો પરત ફર્યા હતા.