Surat News: સુરતના અમરોલી સ્થિત વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે કામદારો દ્વારા રવિવારની રજા તેમજ રજાના દિવસોનો પગાર નહીં કાપવા સહિતની માંગને લઈને હડતાળ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ટોળામાંથી પથ્થરમારો કરતા ડીસીબીના કોન્સ્ટેબલને ઇજા થઈ હતી. આ ઘટનામાં અમરોલી પોલીસ મથકમાં આશરે 500 લોકોના ટોળા સામે ગેરકાયદે મંડળી રચવા અંગેનો ગુનો નોંધાયો છે તો બીજી તરફ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો જેનો વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
અઠવાડિયામાં રવિવારે રજા આપવા માંગ
મળતી માહિતી મુજબ સુરતના અમરોલી સ્થિત વેદાંત ઇન્ડસ્ટ્રીઝ ખાતે એમ્બ્રોડરી અને ટેકસટાઇલ ખાતામાં કામ કરતા કારીગરો હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. કારીગરોની માંગ હતી કે તેઓને અઠવાડિયામાં રવિવારે રજા આપવામાં આવે તેમજ રજાના પગાર કાપવામાં ન આવે અને વર્ષે એક બોનસ પગાર આપવામાં આવે તેમજ 1 થી 7 તારીખ સુધીમાં પગાર આપી દેવાની માંગ કરવામાં આવી હતી
મોટી સંખ્યામાં ત્યાં કારીગરો એકઠા થયા હોય ઘટનાની જાણ થતાં પોલીસની ટીમો ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળે પહોચેલી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા માઇક પર એનાઉસમેન્ટ કરીને તેઓની રજૂઆત શાંતિથી કરવા અપીલ પણ કરી હતી. પરંતુ ટોળામાંથી પથ્થરમારો કરતા ડીસીબી શાખામાં ફરજ બજાવતા હે.કો.અતુલકુમાર દુબેને મોઢાના ભાગે વાગતા ઇજા પણ થઈ હતી
બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કર્યો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતા એસઓજી, પીસીબી અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી વધારાનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જનો વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને અમરોલી પોલીસ મથકમાં આશરે 500 લોકોના ટોળા સામે ગેરકાયદેસર મંડળીનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અમરોલી પોલીસે સીસીટીવી અને વીડિયો રેકોર્ડિંગના આધારે પથ્થરમારો કરનારા મુખ્ય સૂત્રધારો અને અન્ય અસામાજિક તત્વોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
