Surat Workers Strike: સુરતના અમરોલી સ્થિત વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં કારીગરોએ આજે વિરોધ નોંધાવી હડતાળ પર ઉતરી ગયા હતા. કારીગરોની માંગ છે કે, રવિવારે તેઓને રજા આપવામાં આવે. પરંતુ તેઓની માંગ પૂરી નહિ થતાં આજે કારીગરો હડતાલ પર ઉતરી ગયા હતા. બીજી તરફ ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચીને મામલો થાળે પાડ્યો હતો
કારીગરો કામકાજ બંધ કરી હડતાળ પર ઉતર્યા
સુરતના અમરોલી સ્થિત વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો આજે કામકાજ બંધ કરીને હડતાલ પર ઉતરી ગયા હતા. કારીગરોએ માંગણી કરી છે કે, તેમને રવિવારે રજા આપવામાં આવે, સાપ્તાહિક રવિવારની રજા આપવા બાબતે શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે વિવાદ ઉભો થતાં મોટી સંખ્યામાં કારીગરોએ કામકાજ બંધ કરી દીધું હતું અને હડતાળ પર ઉતરી ગયા હતા.
સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આ્વ્યો
કારીગરોનો આક્ષેપ છે કે, સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાને કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં કારીગરો હડતાલ પર ઉતરી જતા પોલીસ પણ દોડતી થઈ હતી. વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના કે તોડફોડ ન થાય તે માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળોએ તહેનાત કરી દેવાયો છે.
પોલીસ દ્વારા પ્રશ્ન હલ કરવાની ખાતરી આપવામાં આવી
ડીસીપી એલ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, એમ્બ્રોડરી કારીગરો તેઓની કેટલીક માંગોને લઈને આજે ભેગા થયા હતા. પોલીસ વિભાગ દ્વારા તેઓને સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી, તેઓના જે પણ પ્રશ્ન છે, તે લેબર કમિશ્નર તથા સંબંધિત વિભાગ સુધી પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. હાલ જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે. હાલ સંપૂર્ણ સ્થિતિ નિયંત્રણમાં છે.
કારીગરોની રવિવારે રજા આપવામાં આવે તેવી માંગ
આનંદ પાલ નામના કારીગરે જણાવ્યું હતું કે, રવિવારે રજા હોવી જોઈએ. એ જ માંગને લઈને આજે કારીગરોએ હડતાલ કરી છે, અઠવાડિયામાં એક જ દિવસ તો રજા હોવી જોઈએ, અહિયાં લગભગ 2 હજાર એકમો છે, જેમાં ક્યાંક 50 તો ક્યાંક 40 જેટલા મશીનો છે. આ વેંદાન્ત ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઈડરીનું કામ મોટા પાયે થાય છે.
