Surat: ગોદાવાડી ગામે યુવતીની હત્યા બાદ લૂંટના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, કોળી સમાજના આગેવાનો SPને મળ્યા

આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવા માટે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે. આથી આપણે ધીરજ રાખવી પડશેઃ કોળી સમાજના પ્રમુખ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 07:34 PM (IST)Updated: Sat, 29 Aug 2026 07:34 PM (IST)
surat-godavadi-crime-case-koli-community-leaders-meet-sp-as-loot-with-murder-accused-remain-at-large

Surat Godavadi Crime Case: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા બાદ લૂંટની ઘટનામાં હજુ આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા નથી. બીજી તરફ સુરત જિલ્લા SP રાજેશ ગઢિયા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા તથા કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની માહિતી આગેવાનોને આપી હતી

માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 5 દિવસ અગાઉ નિધિ પટેલની હત્યા કરવામાં આવી હતી. નિધિના માતા પિતા જાત્રા કરવા ગયા હતા, ત્યારે નિધિ ઘરે એકલી હતી. આ સમયે નિધિની હત્યા કર્યા બાદ ઘરમાંથી લૂંટ ચલાવવામાં આવી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે, પરંતુ 5 દિવસ થયા છતાં હજુ કોઈ આરોપી પોલીસ પકડવામાં આવ્યો નથી.

આજે સુરત જિલ્લા SP રાજેશ ગઢિયા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા તથા કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં માંડવી પોલીસ સ્ટેશન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અંગે સમાજના આગેવાનોને માહિતી આપવામાં આવી હતી

કોળી સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું કે, પોલીસે અત્યાર સુધીમાં જે જે તપાસ કરી છે તેની આખી માહિતી આપી છે. જેના આધારે અમે એટલું ચોક્કસ કહી શકીએ કે, પોલીસ સાચી દિશામાં પ્રયત્ન કરી રહી છે અને પોલીસના પ્રયત્ન એકદમ સારી રીતે ચાલી રહ્યા છે

આ ઘટનાને લઈને સમાજમાં યુવાનોમાં રોષ છે પણ હાલ પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે અને ખરેખર જે આરોપી છે તે આરોપીને પોલીસ પકડે તે માટે આપણે પણ ધીરજ રાખવી પડશે.