Surat: દુબઈમાં સુરતની યુવતી બની બ્લેકમેઈલિંગનો ભોગ, આરોપીએ ફોટો મોર્ફ કરી રૂ.79 લાખ પડાવ્યા; હિમાચલના યુવક સામે FIR

દુબઈની હીરા કંપનીમાં નોકરી કરતી સુરતની યુવતીના ફોટા મોર્ફ કરી આરોપીએ ખંડણી માંગી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Mar 2026 09:47 AM (IST)Updated: Mon, 09 Mar 2026 09:47 AM (IST)
surat-girl-victim-of-morphed-photo-blackmailing-and-extortion-in-dubai
HIGHLIGHTS
  • સુરતની યુવતી સાથે દુબઈમાં બ્લેકમેઈલિંગ થયું
  • આરોપીએ ફોટો મોર્ફ કરી રૂ. 79 લાખ પડાવ્યા
  • પોલીસે હિમાચલ પ્રદેશના યુવક સામે ગુનો નોંધ્યો

Surat Cyber ​​Crime: દુબઈમાં હીરાની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી સુરતની યુવતી સાયબર ક્રાઈમ અને બ્લેકમેઇલિંગનો ભોગ બની છે. યુવતીના સાથી કર્મચારીએ જ તેના ફોટો મોર્ફ કરી, બદનામ કરવાની ધમકી આપીને કુલ રૂ. 79.13 લાખ પડાવી લીધા છે. આ મામલે ભોગ બનનાર યુવતીએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

દુબઈમાં કામ કરતી સુરતની યુવતી

આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી આરોપી અવિનાશ દેશરાજ ઠાકુર છેલ્લા 10 વર્ષથી દુબઈની ડાયમંડ કંપનીમાં એકાઉન્ટન્ટ છે. યુવતી પણ તેની સાથે 3 વર્ષથી નોકરી કરતી હતી. એપ્રિલ 2023 માં જ્યારે યુવતી ઘરે જતી હતી, ત્યારે અવિનાશ ટેક્સીમાં તેની સાથે બેસી ગયો હતો.

ફોટો મોર્ફ કર્યા, 30 હજાર દિરહામ

આરોપી યુવકે ભોગ બનનાર યુવતીના મોર્ફ કરેલા ફોટા બતાવ્યા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણે 30 હજાર દિરહામની માંગણી કરી હતી. બદનામીના ડરથી યુવતીએ 27 એપ્રિલ 2023 ના રોજ આ રકમ મની એક્ષચેંજ મારફતે આરોપીના હિમાચલ પ્રદેશના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.

જાનથી મારી નાખવાની ધમકી પણ

પૈસા આપવા છતાં આરોપી અવિનાશની માંગણી અટકી ન હતી. તેણે યુવતીના ફોટા કંપનીના સ્ટાફમાં અને ભારતમાં તેના માતા-પિતાને મોકલી બદનામ કરવાની ધમકી ચાલુ રાખી હતી. એટલું જ નહીં, આરોપી વોટ્સએપ કોલ કરીને યુવતીને જાનથી મારી નાખવાની અને તેનો મૃતદેહ ગાયબ કરી દેવાની ધમકી પણ આપતો હતો.

આરોપીએ 79.13 લાખ રૂપિયા પડાવ્યા

ડરના માર્યા યુવતીએ ટુકડે-ટુકડે 13 વખત 3.42 લાખ દિરહામ અને 86 હજાર રોકડ મળી કુલ 79.13 લાખ રૂપિયા અવિનાશને ચૂકવી દીધા હતા. સતત ત્રણ વર્ષ સુધી બ્લેકમેઈલિંગ અને ત્રાસથી કંટાળીને છેવટે યુવતીએ સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા પોલીસે અવિનાશ ઠાકુર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.