Surat Food Poisoning Case: સુરતમાં એક પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝ્નીગની અસર થઇ હતી જે બાદ પરિવારના પાંચેય સભ્યોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 5 વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે. પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું શાક ખાધા બાદ પરિવારના પાંચેય સભ્યોની તબિયત લથડી હોવાનો આક્ષેપ કર્યો છે અને બીજી તરફ પરિવારજનોએ આ મામલે ન્યાયની માંગ કરી છે.
શનિવારે પતિ-પત્ની અને ત્રણ દીકરીની તબિયત લથડી હતી
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સુરતના વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં અશોકભાઈ કળસરિયા પરિવાર સાથે રહે છે. ગત શનિવારે 15 ઓગસ્ટના રોજ પત્ની પત્ની અને 3 દીકરીઓની તબિયત લથડી હતી જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રીપોર્ટમાં ફૂડ પોઈઝનીંગની અસર થઇ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં અશોકભાઈની 5 વર્ષની દીકરી આર્યાનું મોત નીપજ્યું છે. વ્હાલસોયી દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. જયારે હાલમાં માતા પિતા અને અન્ય બે દીકરીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રવિવારે 5 વર્ષની બાળકીનું મોત થયું
સબંધી બાબુભાઈ કલસરીયાએ આક્ષેપ કર્યો હતો કે અમારા એક પરિવારે ગત શનિવારે શીતલ રેસ્ટોરન્ટમાંથી શાક ખરીદીને ઘરે લાવીને જમ્યા હતા અને જમ્યા બાદ અંદાજે 5 કલાક બાદ રાતે પેટમાં ખુબ દુખાવો થયો અને તેઓ નજીકની હોસ્પિટલમાં દાખલ થયા હતા જ્યાં રીપોર્ટ કરાવતા રીપોર્ટમાં ફૂડ પોઈઝનીંગ આવ્યું હતું ગતરોજ 5 વર્ષની બાળકીનું મોત થયું છે. હાલ અમે સ્મીમેર હોસ્પિટલમાં ઉભા છીએ અને પીએમ કરાવવામાં આવી રહ્યું છે, અન્ય 4 સભ્યો હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેઓની સારવાર ચાલી રહી છે તેઓની તબિયત પણ નાજુક છે.
તેમણે તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતી. તેમણે આરોગ્ય મંત્રી અને ફૂડ વિભાગને વિનંતી કરતા જણાવ્યું હતું કે આ પરિવારને ન્યાય મળવો જોઈએ, આ પરિવારમાં 4 દીકરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈશ્વર કૃપા શીતલ રેસ્ટોરન્ટમાંથી શાક ખરીદ્યું હતું અને પરિવારના 4 સભ્યોએ ખાધું હતું.
શીતલ રેસ્ટોરન્ટમાંથી બે શાક લાવ્યા હતા
પિતરાઈભાઈ ભાવેશભાઈ કલસરીયાએ જણાવ્યું હતું કે મારા કાકાના દીકરા અશોકભાઈ ચતુરભાઈ કલસરીયાના આખા પરિવારને ફૂડ પોઈઝનીંગ થયું છે, ઈશ્વરકૃપા સ્થિત આવેલી શીતલ રેસ્ટોરન્ટમાંથી ગત 15 ઓગસ્ટના રોજ સાંજે બે શાક લાવ્યા હતા અને ઘરે જમ્યા હતા અને બાદમાં વહેલી સવારે અશોકભાઈને અને તેમની સૌથી નાની 5 વર્ષની દીકરીને પેટમાં દુખાવો થયો હતો. જેથી નજીકના કલીનીક પર સારવાર લેવા ગયા હતા ત્યાં તેઓને બોટલ ચડાવી અને દવા આપી હતી. સાંજે સુધી રાહ જોયા બાદ પણ રાહત થઇ ન હતી અને બીજા દિવસે પણ તકલીફ વધી અને બાકીની બે દીકરી અને અશોકભાઈની પત્નીને પણ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની તકલીફ થઇ એટલે તાત્કાલિક રીપોર્ટ કરાવ્યા હતા. રીપોર્ટ આવે તે પહેલા જ આર્યા નામની દીકરીને ખુબ જ આંચકી જેવું લાગ્યું અને જેથી તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરી અને 15 થી 20 મિનીટની સારવાર દરમ્યાન જ તેનું ફૂડ પોઈઝ્નીગના હિસાબે તેનું મોત થયું.
વધુમાં જણાવ્યું હતું કે અશોકભાઈ અને તેમની બે દીકરી અને અશોકભાઈની પત્ની જ્યોત્સનાબેનને પણ ત્યાં હોસ્પિટલમાં દાખલ કર્યા અને તેઓને પણ ફૂડ પોઈઝનીંગના રીપોર્ટ આવ્યો છે. હાલ દીકરી રીપોર્ટનું કામ ચાલુ છે. રીપોર્ટના આધારે અમે તંત્ર પાસે માંગ કરીએ છીએ કે અશોકભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ. ગતરોજ જયારે અશોકભાઈની પત્નીને આ વાત વિષે જાણ થઇ ત્યારે તેઓ પણ સીરીયસ છે અને હાલ ચારેય સભ્યો દાખલ છે અને અમે દીકરીનો મૃતદેહ લઇ ગયા પછી પણ જ્યોત્સનાબેનની શું હાલત થશે તે અમે કહી પણ શકતા નથી. અમારી માંગ છે કે પરિવારને ન્યાય મળવો જોઈએ.
