Surat Food Safety Inspection: તાજેતરમાં સુરતમાં એક પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થવા અને તેમાં એક 5 વર્ષીય બાળકીનું મોત નિપજવાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. હાલ શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા 330 હોટલોમાં તપાસ
સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો અને ઝોનના સેનિટેશન સ્ટાફ દ્વારા દરેક ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં મળી આવેલા 1641 કિલોગ્રામ અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરનાર 208 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા ગંભીર બેદરકારી બદલ 17 હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ (સીલ) કરી દેવામાં આવી છે. વધુમાં, તંત્ર દ્વારા કુલ 4.17 લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ (દંડ) વસૂલવામાં આવ્યો છે.
કઈ બાબતોની કરવામાં આવી ચકાસણી?
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હોટેલોના કિચન એરિયાની સાફ-સફાઈ, વાસી કે એક્સપાયરી ડેટવાળા ખોરાકનો સંગ્રહ અને વપરાશમાં લેવાતા પાણીની શુદ્ધતાની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પનીર, ચીઝ, બટર જેવા ડેરી પ્રોડક્ટ્સ અને ખાદ્ય ઓઈલ બાબતે ડિસ્પ્લે બોર્ડ કે મેનુ કાર્ડ પર વિગતો દર્શાવેલી છે કે નહીં તેની પણ ઘનિષ્ઠ ચકાસણી કરી હતી. ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટની પણ તપાસ કરવામાં આવી હતી.
સીલ કરેલા મુખ્ય હોટલ-રેસ્ટોરન્ટોની યાદી
સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ ઝોનમાં વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટો બંધ કરવામાં આવી છે, જેમાં:
સેન્ટ્રલ ઝોન: હીરા રેસ્ટોરન્ટ
વરાછા ઝોન: શીતલ રેસ્ટોરન્ટ, ધ દિલ્હી રેસ્ટોરન્ટ, ક્રિષ્ના ફેન્સી ઢોસા અને બાપા સીતારામ કાઠીયાવાડી
કતારગામ ઝોન: ફ્રેન્ડસ થીક શેક અને શ્રી ગણેશ ઢોસા
રાંદેર ઝોન: ઢોસા કિંગ (જહાંગીરપુરા)
ઉધના ઝોન: પંજાબી ઢાબા, તુલસી રેસ્ટોરન્ટ અને રાજપૂત ફેમીલી રેસ્ટોરન્ટ
અઠવા ઝોન: નેપાલી ચાઈનીઝ સેન્ટર, ઇકબાલ ચિકન અને રોબર્ટ રેસ્ટોરન્ટ
લિંબાયત ઝોન: ક્રોસ રોડ રેસ્ટોરન્ટ અને મલ્હાર ઢોસા
સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ એકમ સામે લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવશે. તમામ ખાદ્ય વિક્રેતાઓને ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
