Surat Flood: સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે, શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓને પગલે સામાન્ય જનતા અને વેપારીઓને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખી તંત્રની નિષ્ફળતા પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
કાગળ પરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વહીવટી નિષ્ક્રિયતા
દર્શન નાયકે તેમના પત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2024, 2025 અને 2026 દરમિયાન પણ ચોમાસામાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આ અંગે સુરત કલેક્ટર, મનપા કમિશનર અને સિંચાઈ વિભાગને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે આક્ષેપ કર્યો છે કે, તંત્ર દ્વારા કરવામાં આવતી ડિઝાસ્ટર મેનેજમેન્ટની મિટિંગો માત્ર કાગળ પર જ રહે છે અને તેનું અમલીકરણ શૂન્ય છે. મુખ્ય કારણ સુરત શહેરની ખાડીઓ અને તાપી નદીમાં મોટા પાયે થયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણોને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે. આથી નદીનું પાણી દરિયામાં વહેવાને બદલે શહેરમાં ભરાઈ રહ્યું છે. આ ઉપરાંત, સરકારી જમીનો પર બનેલા ગેરકાયદે ઝીંગાના તળાવો પણ આ સમસ્યામાં વધારો કરી રહ્યા છે, જેનો ભોગ સુરતની જનતા બની રહી છે.
જવાબદારી નક્કી કરવા અને વળતરની માંગ
કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, આ ગંભીર બેદરકારી બદલ મહાનગર પાલિકા, કલેક્ટર કચેરી અને સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે.
વધુમાં તેમણે માંગ કરી છે કે, ખાડી અને સરકારી જમીનો પરના તમામ ગેરકાયદે દબાણો અને ઝીંગાના તળાવો તાત્કાલિક દૂર કરવામાં આવે. પૂરને કારણે પાયમાલ થયેલા વેપારીઓ અને સામાન્ય લોકોને આર્થિક સહાય આપવામાં આવવી જોઈએ. તેમજ પાણી ભરાવાને કારણે જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોને તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે.
