Ahmedabad: ઓશિયા મૉલના ડિરેક્ટર સહિત 3 સામે રૂ.4.73 કરોડની ઠગાઈની ફરિયાદ, 13 જેટલા વેપારીઓનું ફુલેકુ ફેરવી દંપતી વિદેશ ભાગ્યાની આશંકા

ઓશિયા મોલના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરા, કવિતા ચોપરા અને પર્ચેઝ ઑફિસર રુચિએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને વિશ્વાસ કેળવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Jul 2026 06:39 PM (IST)Updated: Wed, 08 Jul 2026 06:39 PM (IST)
ahmedabad-news-osia-mall-directors-accused-of-rs-4-73-cr-fraud

Ahmedabad: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જાણીતા ઓશિયા મોલના સંચાલકો ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરા, તેમના પત્ની કવિતા તેમજ પર્ચેઝ ઑફિસર રૂચિ બહેતી વિરુદ્ધ CID ક્રાઈમમાં રૂ.4.73 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.


સમયસર પેમેન્ટ ચૂકવીને વિશ્વાસ કેળવ્યા બાદ મોટા જથ્થામાં માલ મંગાવીને ફુલેકું ફેરવ્યું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને કલોલ તાલુકાના રકનપુર ખાતે 'અગ્રવાલ બેવરેજીસ' નામે FMCG પ્રોડક્ટનો હોલસેલનો વેપાર કરતાં વિવેક અગ્રવાલે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, ઓશિયા મોલના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરા, કવિતા ચોપરા અને પર્ચેઝ ઑફિસર રુચિએ શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવીને વિશ્વાસ કેળવ્યો હતો.

જે બાદ 2014 થી 2025ના 10 વર્ષના સમયગાળામાં આરોપીઓએ મોટા જથ્થામાં માલ મંગાવ્યો હતો. જેના પેમેન્ટ પેટે તેમણે બેંકના ચેકો આપ્યા હતા. આ ચેક બેંકમાં ભરતા બેલેન્સ પુરતુ ના હોવાના કારણે ચેક બાઉન્સ થયા હતા.

આરોપી દંપતી વિદેશ ભાગી ગયા હોવાની આશંકા

ઓશિયા મોલના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરાએ 12 જેટલા હોલસેલના વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ મંગાવીને પોતાના મોલમાં વેચી માર્યો હતો. જેના નાણાંથી પરિવારના નામે મિલકતો ખરીદી હતી. જ્યારે ફરિયાદીઓએ નાણાંની ઉઘરાણી કરી, ત્યારે આરોપીઓએ પ્રોપર્ટી લખી આપવાનું વચન આપીને ગલ્લા-તલ્લા કરીને આખરે મોબાઈલ ફોન સ્વિચઑફ કરી દીધા હતા. વિવેક અગ્રવાલે ઓશિયા મોલના ડિરેક્ટર પત્ની સાથે વિદેશ ભાગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.