Surat: શહેરના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે રાખવામાં આવેલ હલ્દી સેરેમનીમાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં જૂની અદાવતમાં લગ્નના મંડપમાં ઘૂસીને યુવકને પગમાં ગોળી મારી દીધી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં રહેતા યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગ નિમિત્તે હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અગાઉ યોગેશ મારવાડીના સાગરિતોએ જયેશ પાટીલ નામના યુવકના ભાઈની ઘાતકી હત્યા કરી હતી. જેનો બદલો લેવા માટે જયેશ પાટીલ પોતાના મિત્ર સૂરજ ભવાની સાથે લગ્ન મંડપમાં પહોંચ્યો હતો.
આ સમયે અજય ઉર્ફે પિન્ટુ પણ પોતાના મિત્ર કલ્પેશ સાથે યોગેશ મારવાડીને મળવા માટે પહોંચ્યો હતો. જેમને જોતા જ જયેશે તમે અહીં કેમ આવ્યા કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા જયેશે પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢીને ફાયરિંગ કર્યું હતુ.
જેમાં પિન્ટુના પગમાં ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ ગયો હતો. ગોળીનો અવાજ આવતા લોકો એકઠા થતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. જે બાદ ઈજાગ્રસ્ત અજય ઉર્ફે પિન્ટુને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે 307 કલમ હેઠળ ગુનો દાખલ કરીને હુમલાખોર સૂરજની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. જ્યારે તેના મિત્રની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
