Surat News:વર્ષ 2024માં થયેલા ચકચારી ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં રાજસ્થાનનો પૂર્વ કોન્સ્ટેબલ ઓડીસાથી ઝડપાયો

સુરતના સારોલી વિસ્તારમાં 2024ના ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા પૂર્વ રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ છાબાને ક્રાઈમ બ્રાંચે ઓડિશાના ભુવનેશ્વરથી ઝડપી પાડ્યો છે. ફરજમાં બેદરકારી બદલ 2020માં બરતરફ કરાયેલો આરોપી મહિલા મિત્ર સાથેના ઝઘડામાં ફાયરિંગ કરી ફરાર થયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 22 Jun 2026 06:39 PM (IST)Updated: Mon, 22 Jun 2026 06:39 PM (IST)
surat-former-rajasthan-constable-arrested-in-odisha-for-2024-firing-and-attempted-murder

Surat News:સુરતના સારોલી વિસ્તારમાં વર્ષ 2024માં થયેલા ચકચારી ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપી સુરેશ છાબાને ક્રાઈમ બ્રાંચની ટીમે છેક ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી દબોચી લીધો છે.પકડાયેલો આરોપી રાજસ્થાન પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો પરંતુ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે વર્ષ 2020માં રાજસ્થાન પોલીસ વિભાગમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરતના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2024ની સાલમાં ફરિયાદી પર એક રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાની કોશિશનો બનાવ બન્યો હતો. જે ગુનામાં સંડોવાયેલો આરોપી સુરેશ હરીરામ છાબા આજદિન સુધી નાસ્તો ફરતો હતો. દરમ્યાન ક્રાઈમ બ્રાંચની ટીમે તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા અને ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે તે ઓડીસા ખાતે છુપાઈને રહે છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ઓડીસા પહોચી હતી અને ભુવનેશ્વરથી આરોપી સુરેશ હરીરામ છાબાને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૪માં આરોપી દેવાંશુસિંહ ઉર્ફે દેવ શ્યામ સિહ સોલંકી, જોગારામ ઉર્ફે જોગા મદનલાલ ગર્ગ અને સુરેશ હરીરામ છાબાએ ફરીયાદીને મહિલા મિત્ર સાથે ફોન પર વાતચીત કરવા બાબતે ઝઘડો થયો હતો અને આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને લાકડા વડે માર મારી તથા સહ આરોપીએ દેશી તમંચા વડે ફરીયાદી પર એક રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. વધુમાં નામદાર કોર્ટ દ્વારા તેને સીઆરપીસી કલમ ૭૦ મુજબ ફરારી વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું

વધુમાં પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલો આરોપ સુરેશ હરીરામ છાબા વર્ષ ૨૦૦૮માં રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયો હતો પરંતુ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી અને લાંબા સમયથી ગેરહાજર રહેવાના કારણે વર્ષ ૨૦૨૦માં તેને રાજસ્થાન પોલીસ વિભાગમાંથી બરતરફ [રીમુબ ફ્રોમ સર્વિસ] કરવામાં આવ્યો છે. આમ ત્રણ વર્ષથી ફરાર આરોપી સુરેશ છાબાને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઓડીશાના ભુવનેશ્વર ખાતેથી ઝડપી પાડી તેનો કબજો સારોલી પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી હતી.