Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આજરોજ વરાછા ઉમિયાધામ વિસ્તારમાંથી મહેસાણાનાં બેચરાજી પોલીસ સ્ટેશનનાં સાયબર ક્રાઈમ ફ્રોડના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઈ પટેલને ઝડપી પાડી વધુ તપાસ અર્થે બેચરાજી પોલીસને કબજો સોપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પટેલ હિરેન પટેલે જાણી જોઇને ગેરકાયદેસર હેતુથી ઠગાઇ કરવાના ઇરાદે પોતાની પત્ની પ્રેમિલાબેનના નામનું સેવિંગ ખાતુ ખોલાવી નાણાંકીય લાભ મેળવવા સારૂ ભારતના અલગ-અલગ રાજ્યમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા પોતાની પત્નીના બેંક ખાતામાં આવેલા નાણાં ચેકથી ઉપડ્યા હતા.
જેમાં સાયબર ફ્રોડની કુલ પાંચ NCCRPની ફરિયાદોના રૂપિયા 16,68,001/- (સોળલાખ અડસઠ હજાર એક રૂપિયા) સહીતની કેશ ચેકથી ઉપાડી લઈ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી ગુનો કર્યો છે. વધુમાં આ ગુનામાં આરોપીની પત્ની પ્રેમિલાની ગઈ તારીખ 08/01/2026 નાં રોજ બેચરાજી પોલીસે ધરપકડ કરી છે, જે હાલમાં પાટણની સુજનીપુર જેલમાં કેદ છે.
હિરેન પટેલ મહેસાણા, મહારાષ્ટ્ર, વિશાખાપટ્ટનમ, કર્ણાટક બેંગ્લોર, ઝારખંડ રાચી, તામિલનાડુ, મહારાષ્ટ્ર મુંબઈ, વેસ્ટ બંગાલ અને હરિયાણા ગુરુગ્રામ મળી કુલ 11,93,52,525 રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ છે. આરોપી સામે વર્ષ 2025માં સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો.
વધુમાં આરોપી હિરેન પટેલ પોતે બેચરાજી APMC માર્કેટમાં છેલ્લા પાંચ વર્ષથી ડિરેક્ટર છે. આરોપી બેચરાજી APMC માર્કેટમાં પટેલ હિરેનકુમાર લક્ષ્મણ ભાઈ એન્ડ કું. ના નામની પેઢી ધરાવી વેપાર કરે છે. આરોપીએ પોતાની પત્નીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમા સાયબર ફ્રોડનાં નાણા મેળવતો હતો જે રૂપિયા ચેક થી વિડ્રોલ કરી લેતો હતો.
આરોપી હિરેન પટેલે ખેરાલુના જાવેદ અને ઉત્તર પ્રદેશ લખનઉના મિશ્રાજી નામના ઈસમો સાથે મળી પોતાના HDFC બેન્ક એકાઉન્ટમાં એક જ દિવસમાં સાયબર ફ્રોડનાં પાંચ કરોડ રૂપિયા મેળવી અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી નાંખ્યા હતા.
આરોપી હિરેન પટેલે આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરેલી હતી જે નામદાર મહેસાણાની સેસન્સ કોર્ટે રિજેક્ટ કરી દીધી છે તેમજ આરોપીની પત્ની પ્રેમિલાબેનની પણ રેગ્યુલર જામીન અરજી નામદાર મહેસાણાની સેસન્સ કોર્ટે રિજેક્ટ કરી દીધી છે. તેમજ આરોપી હિરેન પટેલ વિરૂધ્ધ મહેસાણામાં રૂપિયા 12,00,000/- નાં બે અલગ અલગ ચેક રીટર્નનાં પણ કેસ થયેલા છે
