સુરતમાં બે અલગ અલગ સ્થળે ભીષણ આગ: ચિક્કીના કારખાના અને ડાઈંગ મિલમાં મોટું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી

સુરતના પાલનપુર જકાતનાકા નજીક ચિક્કીના કારખાનામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સાથે આગ લાગી અને પાંડેસરા GIDCની પ્રિયાંશી ડાઈંગ મિલમાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી. ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 20 Sep 2026 03:17 PM (IST)Updated: Sun, 20 Sep 2026 03:17 PM (IST)
surat-fire-news-chikki-factory-and-dyeing-mill-massive-fire-broke-out-pandesara-gidc-palanpur

Surat Fire News: સુરતમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. જેમાં પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ડાઈંગ મિલમાં આગ લાગી હતી. બીજો આગનો બનાવ પાલનપુર ઊગતકેનાલ રોડ પાસે ચીક્કી બનાવવાના કારખાનામાં બન્યો. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.

ચિક્કીના કારખાનામાં આગ લાગી

મળતી માહિતી મુજબ, સુરતના પાલનપુર જકાતનાકા નજીક ઝઘડિયા ચોકડી, ઉગત રોડ પાસે પતરાના શેડમાં ચિક્કી બનાવવાનું કારખાનું ચાલતું હતું. જેમાં વહેલી સવારે 5.58 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પરિસરમાં આગ પ્રસરી જતાં ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

કોઈ જાનહાનિ નહોતી થઈ

આગ એટલી પ્રચંડ હતી કે, કારખાનામાં રહેલો એક એલપીજી ગેસ સિલિન્ડર અને ફાયર એક્સ્ટિંગ્યુસર પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયા હતા. ફાયર ટીમે તાત્કાલિક અન્ય 4 એલપીજી ગેસ સિલિન્ડર સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. આગના કારણે કારખાનામાં રહેલો ચિક્કીનો જથ્થો, મશીનરી અને અન્ય સાધન-સામગ્રી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ડાઈંગ મિલમાં આગની ઘટના

બીજી ઘટના સુરતના પાંડેસરા GIDCમાં બની હતી. અહી આવેલી પ્રિયાંશી ડાઈંગ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. મિલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સેન્ટર મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. આગના પગલે તમામ કામદારો સમયસર સુરક્ષિત રીતે બહાર દોડી આવ્યા હતા.

ફાયર વિભાગે આગ પર કાબૂ લીધો

ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે 3 સેન્ટર મશીન, ફિનિશિંગ મશીન, પોલિએસ્ટર કાપડનો મોટો જથ્થો, ઇલેક્ટ્રિક વાયરિંગ, કોમ્પ્રેસર ફેન તેમજ ઓફિસનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.